
સુરત, 26 ઓક્ટોબર (હિ.સ.): સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાંદેર અને સિંગણપોર વચ્ચે આવેલો વિયર કમ કોઝવે તકેદારીના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યો છે. હાલ કોઝવેની સપાટી ભયજનક સ્તરથી નીચે હોવા છતાં, આવનારા દિવસોમાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની શક્યતા છે, જેના કારણે ઓવરફ્લો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે
દીવાળીની સીઝન વચ્ચે સુરતમાં વરસાદ ફરી શરુ થયો છે, જેનો પ્રભાવ ઉકાઈ ડેમના ઉપરવાસ વિસ્તારમાં પણ જોવા મળી રહ્યો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 344.96 ફૂટ સુધી પહોંચી છે, જ્યારે કોઝવેની સપાટી 5.79 મીટર નોંધાઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો આવતા એક-બે દિવસમાં વધુ 25,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે તો કોઝવે ઓવરફ્લો થવાની શક્યતા છે.
કોઝવે લાંબા સમયથી બંધ — વાહનચાલકોને મુશ્કેલી
રાંદેર-સિંગણપોર વચ્ચેનો આ કોઝવે આ સીઝનમાં પહેલી વાર 23 જૂનના રોજ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાણીનું સ્તર ઘટતા 11 ઑગસ્ટે તેને ખુલ્લો મુકાયો, પરંતુ માત્ર સાત દિવસ બાદ જ ફરી નદીના જળસ્તરમાં વધારો થતાં 18 ઑગસ્ટે કોઝવે ફરી બંધ કરવો પડ્યો હતો. ત્યારથી આજદિન સુધી તે સતત બંધ જ છે.
આ કારણે રાંદેર, સિંગણપોર અને કતારગામ વિસ્તારોમાં જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ વાહનચાલકો ચંદ્રશેખર આઝાદ બ્રિજ અથવા જહાંગીરપુરા-ડભોલી બ્રિજ મારફતે અવરજવર કરી રહ્યા છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, જ્યારે હાલનું સ્તર 5.79 મીટર છે. વરસાદી માહોલ ચાલુ રહેતા અને ઉકાઈમાંથી પાણી છોડવાની શક્યતાને પગલે તકેદારીરૂપે કોઝવે બંધ રાખવામાં આવ્યો છે. સુરતીઓને હજી થોડા દિવસો સુધી કોઝવે ખૂલવાની રાહ જોવી પડશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે