



પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આવેલા શ્રીહરિ મંદિરમાં વિવિધ મનોરથ અનેક પૂજા અને દીપદાન સાથે રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં દિપાવલીનું પર્વ અને નૂતનવર્ષ હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યું હતું. દિવાળી મહાપર્વના શુભ દિવસે સવારે શ્રીહરિ મંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણવિધિ સંપન્ન થઈ. આ સાથે-સાથે ચોપડા પૂજન પણ કરવામાં આવ્યુ. સાંજના સમયે શ્રીહરિ મંદિરમાં બિરાજિત શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનનું પૂજ્ય ભાઈશ્રી એવં મનોરથી પરિવાર દ્વારા સહસ્રકમલોથી વિધિપૂર્વક પૂજન-અર્ચન સંપન્ન થયું. દીપાવલીના દિવસે પણ દીપદાન વિધિ કરવામાં આવી. શયન આરતી બાદ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સન્મુખ દીપોત્સવ કરવામાં આવ્યો અને ત્યારબાદ 8:00વાગ્યે શ્રીહરિ મંદિરના પ્રાંગણમાં આતશબાજી કરવામાં આવી હતી.
આ અવસરના અનેક દર્શનાર્થીઓ સાક્ષી બન્યા હતા. નૂતન વર્ષના પ્રારંભે શ્રીહરિ મંદિરમાં અન્નકૂટ દર્શન યોજાયા હતા જેમાં તા. 22-10-2025,બુધવારના રોજ વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષના દિવસે શ્રીહરિ મંદિરમાં વહેલી સવારે 7:30 વાગ્યે મંગલા આરતીના દર્શન યોજાયા.
ત્યારબાદ સવારે 8:00 થી 01:00 તથા સાંજે 4:30 થી 8 દરમ્યાન શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનને અન્નકૂટનો ભોગ લગાવવામાં આવ્યો હતો અને મધ્યાહ્નમાં પૂજ્ય ભાઈશ્રીના કરકમલો દ્વારા અન્નકૂટની આરતી સંપન્ન કરવામાં આવી હતી. જેના દર્શનનો અનેક ભાવિકોએ લાભલીધો હતો. નૂતનવર્ષ નિમિત્તે પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં સવારે સ્નેહમિલન યોજાયેલ હતું.જેમાં સાંદીપનિ પરિવારના શ્રીહરિ ભક્તો, પોરબંદર શહેરના નગરજનો, સાંદીપનિના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌને પૂજ્ય ભાઈશ્રીએ નવા વર્ષની શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા હતા.
નૂતનવર્ષના પ્રારંભે સાંદીપનિ વિદ્યાનિકેતનના પરિસરમાં સેવા આપતા સર્વે કર્મચારીઓના પરિવારજનોને પૂજ્ય ભાઈશ્રીએ નૂતન વર્ષની શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવીને ભેંટ અને મીઠાઈનું વિતરણ કર્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya