



પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સાઇકલોનીક સર્ક્યુલેશનની અસરને કારણે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે, જેની અસર સમુદ્રમાં પણ જોવા મળી રહી છે અને અરબી સમુદ્રમાં 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અનેક શહેરોમાં તોફાની માવઠા વરસી રહ્યા છે અને હળવા-ભારે ઝાપટાથી ધરતીપુત્રોને તો નુકશાન થયુ જ છે પરંતુ હવે સાગરપુત્રોને ફિશીંગની નવી સીઝન શરૂ થઇ ત્યાં વધુ એક વાવાઝોડાની આફત ઝળુંબી રહી હોવાથી કોસ્ટગાર્ડની પેટ્રોલીંગ શીપ દ્વારા માઇકના માધ્યમથી ફિશીંગબોટની નજીક જઇને ‘મચ્છીબોટ.. મચ્છીબોટ.. સમુદ્ર મેં તુફાન આનેવાલા હૈ ઇસલિએ જલ્દી સે નજદીકી બંદર તક પહોચ જાઓ’ તે પ્રકારની સૂચના આપવામાં આવી રહી છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે તેથી ફિશરીઝ વિભાગ દ્વારા પણ માચ્છીમારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
પોરબંદરના બંદર ઉપર પણ સમુદ્રના કરંટના પગલે ૩ નંબરનું સીગ્નલ લગાડવામાં આવ્યુ તે યથાવત રાખવામાં આવ્યુ છે અને ગુરુવાર સુધી દરિયાઇપટ્ટી ઉપર પોરબંદર, દ્વારકા, દીવ,વેરાવળ, ભાવનગર સહિતના વિસ્તારોમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યુ છે અને વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તેમજ અરબી સમુદ્રમાં સીસ્ટમ સક્રિય થઇ હોવાથી પોર્ટ વિભાગ દ્વારા ત્રણ નંબરનું સિગ્નલ લગાવીને ચેતવણી આપવામાં આવી છે.
પોરબંદરમાં ગઇકાલ સાંજથી જ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને જુદા-જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તો બીજી બાજુ હવામાનમાં પણ જબરો પલ્ટો આવ્યો હોય તેમ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સાગરપુત્રોને માચ્છીમારીની નવી સીઝનની શરૂઆત થયા બાદ વધુ એક વખત દરિયો તોફાની બનવાની સંભાવનાના પગલે સાવચેત કરવામાં આવ્યા હોવાથી માચ્છીમારોમાં ચિંતાનું મોજુ ફળી વળ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya