

પાટણ, 27 ઓક્ટોબર (હિ.સ.): પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક ફેરફાર નોંધાયો હતો. આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ધીમે ધીમે કમોસમી વરસાદ શરૂ થયો હતો, જેના કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યા હતા અને વાતાવરણ ઠંડુ બની ગયું હતું.
આ અચાનક પડેલા બિનમોસમી વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ ખેતીવાડી વિસ્તારોમાં ચિંતાનો માહોલ છે. ખેતરોમાં તૈયાર ઊભા પાકને નુકસાન થવાની શક્યતા હોવાથી ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી કલાકોમાં પણ હળવા વરસાદની શક્યતા છે. જો વરસાદ યથાવત્ રહેશે તો પાકને વધુ નુકસાન પહોંચે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ