



ડાયરામાં ભજનિક નિરંજન પડ્યા અને ગોપાલ સાધુએ ભજનની સુરાવલી છેડી હતી
ત્રણ વ્યવહારો પરસ્પર દેવો ભવ ,પાલક બનવું પોષણ , રક્ષણ કરવું અને પૃથ્વી સાથે પૂજનીય વ્યવહાર કરવો
જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રશ્ન જરૂરી છે ભારતના તમામ મહાન ગ્રંથો પ્રશ્નોમાંથી જ જન્મ્યા છે
મનુષ્ય શાકાહારી પ્રાણી જ છે તેથી માસાંહાર મનુષ્ય માટે વરજીત છે
સનાતન ધર્મ શ્રેષ્ઠ માનવ બનાવવા વાળો ધર્મ છે ભાઈ રમેશભાઈ ઓઝા
ભરૂચ 27 ઓક્ટોબર (હિ.સ.) : શ્રીમદ્દ ભાગવતમ સપ્તાહના ત્રીજા દિવસની કથા, ભક્તોના સમસ્ત વિઘ્નો હરી લેવા વાળા સુંદર મન મોહક ગોવિંદ દામોદર સ્તોત્ર અને હરિકૃષ્ણ, હરે કૃષ્ણની મધુર ધૂન સાથે થઈ હતી . બીજા દિવસની રાત્રે ભજનિક નિરંજન પડ્યા અને ગોપાલ સાધુએ ભજનની સુરાવલી છેડી હતી ડાયરામાં પ્રાચીન શિવજીના ભજનની રમઝટ બોલાવી હતી.
રમેશભાઈ ઓઝાએ તેમના પ્રવચનમાં કહ્યું કે શ્રીમદ્દ ભાગવતમ્ કથાએ આપણા માટે અનુષ્ઠાનનું પર્વ છે. જેમ ગંગા મૈયા નિત્ય વહે છે તેમ શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞની આ જ્ઞાનગંગા સતત વહેતી રહે છે.શ્રીમદ્દ ભાગવતમમાંથી ત્રણ વ્યવહારો બરાબર સમજવા જેવા છે.એક માણસે બીજા માણસ સાથે એક જ પિતાના પરમેશ્વરના સંતાનની જેમ વર્તવું. એટલે કે એક-બીજામાં પરમેશ્વરને જોવા પરસ્પર દેવો ભવ .બીજું પૃથ્વી ઉપરના અન્ય જીવો સાથે મનુષ્યનો વ્યવહાર પોતાના સંતાન જેવો રાખવો અને તેના પાલક બનવું તેનું પોષણ કરવું તેનું રક્ષણ કરવું.ત્રીજું મનુષ્યે પ્રકૃતિ સાથે પોતાની માતા જેવો પૂજનીય વ્યવહાર કરવો. પ્રકૃતિના બધા તત્વો એટલે કે અગ્નિ, આકાશ વાયુ, જળ, અને પૃથ્વી તેનું પૂજન કરવું તેનું જતન કરવું કારણ કે પ્રકૃતિ જ આપણું જીવન છે .આપણે સૌ આ પંચમહાભૂતમાંથી જ જન્મ્યા છે. તેથી તે પ્રકૃતિ માતા આપણી જનની છે.તેથી જ પ્રકૃતિ સાથે આપણો વ્યવહાર માતા સાથેના વ્યવહાર જેવો પૂજનીય વ્યવહાર હોવો જોઈએ.
જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રશ્નો થવા આવશ્યક છે. ભારતના તમામ મહાન ગ્રંથો પ્રશ્નોમાંથી જ જન્મ્યા છે. ધૃતરાષ્ટ્રએ પૂછેલા પ્રશ્નોમાંથી મહાભારત જન્મ્યું છે. અને અર્જુનને પૂછેલા પ્રશ્નોમાંથી શ્રીમદ્દ ભગવત ગીતા રચાઈ છે. જ્ઞાન પરંપરામાં વિવેક પૂર્ણ પૂછાયેલા પ્રશ્નોનો ખૂબ મહત્વ છે. જિજ્ઞાસુ અને મુમુક્ષુ શિષ્યો જ્ઞાન પ્રાપ્તિ માટે આદરણીય ગુરુજનોને વિવેક સ પ્રશ્ન પૂછી પોતાના જ્ઞાન વૃદ્ધિ કરતા હોય છે.
પૃથ્વી પરના બધા પ્રાણીઓ પૈકી જેટલા પણ પ્રાણીઓ હોઠથી પાણી પીએ છે તે બધા જ શાકાહારી છે અને જીભથી પાણી પીનારા બધા પ્રાણીઓ માંસાહારી પ્રાણી છે. તેથી પ્રકૃતિના નિયમ અનુસાર મનુષ્ય પણ શાકાહારી પ્રાણી જ છે તેથી માસાંહાર મનુષ્ય માટે વરજીત છે.
ભારતની વૈદિક સંસ્કૃતિ અને સનાતન હિંદુ ધર્મ દાન અને પુણ્યમાં માને છે, તેમાં પણ અન્નદાનનું મહત્વ વિશેષ છે. ગુજરાત અને ભારતભરમાં ચાલતા અન્નક્ષેત્રનો ઉલ્લેખ કર્યો હતો.અન્નક્ષેત્રો ચલાવનારી સંસ્થાઓ માત્ર અન્નક્ષેત્ર નથી ચલાવતી તેઓ હંમેશાં માણસના બદલાવની પ્રક્રિયાઓ પણ કરી રહી છે .ભારતીય વૈદિક પરંપરામાં મફતનું ખાવાની કોઈ વૃત્તિ હોતી નથી તેમાં એક પ્રસાદ તરીકે સ્વીકારવામાં આવે છે. નાનું મોટું દાનપુણ્ય પણ કરતા હોય છે. રાષ્ટ્ર માટે કે સમાજ માટે બલિદાન આપવાનું સદભાગ્ય બધાને પ્રાપ્ત થતું નથી પરંતુ માનવ ધર્મના નાતે અને રાષ્ટ્રધર્મના નાતે આપણે મરી ન શકીએ તો કાંઈ નહીં પરંતુ રાષ્ટ્રના હિતમાં જીવી તો શકીએ. સનાતન ધર્મ શ્રેષ્ઠ માનવ બનાવવા વાળો ધર્મ છે. આપણે ધર્મ પરિવર્તન કરીને અન્ય ધર્મના લોકોને હિન્દુ બનાવવા નથી. આપણે તો બધા ધર્મના લોકોને માત્ર સારા માનવ બનાવવા છે.શ્રીમદ્દ ભાગવત માનવ કલ્યાણ માટે છે. તેનો કથાસાર મનુષ્ય જીવનને શણગાર કરીને સુંદર જીવન બનાવવાનો છે.
ત્રીજા દિવસની આ કથામાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા , એપીએમસી વાલિયા ચેરમેન યોગેન્દ્રસિંહ મહિડા તેમજ ઘણા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કથાના અંતે તેમણે આરતી કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ