
ગીર સોમનાથ, 27 ઓક્ટોબર (હિ.સ.): ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસતા ખેડૂતોના ખેતરોમાં રહેલો પાક પલળી ગયો છે. જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આખું વર્ષ મહેનત કરીને તૈયાર કરેલો પાક વરસાદથી બરબાદ થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ ખરાબ બની ગઈ છે.
ખેડૂતોને હવે આખું વર્ષ પોતાના પશુઓ અને પરિવારના ગુજરાન માટે મુશ્કેલીનો સામનો કરવો પડશે. મોઢે આવેલો કોળિયો કુદરતે જૂઠવી લીધો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. કુદરતી આફતોનો સામનો કરતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આજે દિવસ દરમિયાન દરિયા કાંઠે પણ સતત ઝરમર વરસાદ વરસતો રહ્યો હતો. વરસાદને કારણે ખેતરમાં ઉભેલો પાક પલળી જતાં ખેડૂતોની સિઝનની મહેનત પાણીમાં વહેતી થઈ ગઈ છે અને આગામી વાવેતર માટે પણ હલાકી ઉભી થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ