
વોશિંગ્ટન, નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.)
અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં બુધવારે બપોરે બે નેશનલ ગાર્ડ સૈનિકો પર, ગોળીબાર
કરવામાં આવ્યો હતો. શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની ઓળખ 29 વર્ષીય અફઘાન
નાગરિક તરીકે કરવામાં આવી છે. આ ઘટના વ્હાઇટ હાઉસથી માત્ર બે બ્લોક દૂર 17મી સ્ટ્રીટ અને
એચ સ્ટ્રીટ નજીક બની હતી.
સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, “હુમલો એક ઓચિંતો હુમલો હતો. ઘાયલ સૈનિકો વેસ્ટ
વર્જિનિયા નેશનલ ગાર્ડના છે. એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું હતું કે,
બંનેની હાલત ગંભીર છે.” આ પહેલા, વેસ્ટ વર્જિનિયાના ગવર્નર પેટ્રિક મોરિસીએ કહ્યું હતું કે,”
બંનેનું મૃત્યુ થયું છે.” મેટ્રોપોલિટન પોલીસ વિભાગે જણાવ્યું હતું કે,” શંકાસ્પદ
વ્યક્તિ રહેમાનઉલ્લાહ લકનવાલ તરીકે ઓળખાઈ છે, જે 2021 માં અમેરિકામાં
આવ્યો હતો.”
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે,”
નેશનલ ગાર્ડ સૈનિકો પર ગોળીબાર કરનાર વ્યક્તિએ, ભારે કિંમત ચૂકવવી પડશે.” આ ઘટના
બાદ, યુદ્ધ સચિવ પીટ
હેગસેથે જણાવ્યું હતું કે, ”રાષ્ટ્રપતિએ રાજધાનીમાં 500 વધારાના નેશનલ
ગાર્ડ સૈનિકો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. ઘટના સમયે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વેસ્ટ પામ
બીચ પર તેમના ગોલ્ફ કોર્સમાં હતા. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે
જણાવ્યું હતું કે,” વ્હાઇટ હાઉસ આ દુ:ખદ ઘટના પર નજર રાખી રહ્યું છે.”
એ નોંધવું જોઇએ કે, ઘણા મહિનાઓ પહેલા રાજધાનીમાં હજારો
નેશનલ ગાર્ડ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. ઓગસ્ટમાં રાષ્ટ્રપતિની કટોકટીની
ઘોષણા બાદ, સ્થાનિક પોલીસને
ફેડરલ નિયંત્રણ હેઠળ લાવવામાં આવી હતી. આઠ રાજ્યોમાંથી નેશનલ ગાર્ડ સૈનિકોને
બોલાવવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ