
પોરબંદર, 3 નવેમ્બર (હિ.સ.) મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા પોરબંદર અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા ખેડૂતભાઈઓના પ્રશ્નોને વાચા આપવા તેમજ તેમના વિકાસ અર્થે અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ.
હાલ પોરબંદર, જુનાગઢ, દેવભૂમી દ્વારકા, જામનગર અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડિયાથી પણ વધુ સમયથી કુદરતી આફત સમો કમોસમી વરસાદ પડી રહયો છે. અને ખેડૂતોની મહામહેનતથી તૈયાર થયેલ મગફળી સહિતના પાકોને પારાવાર નુકશાની થયેલ છે તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં પણ વરસાદનું જોર થયાવત રહેતા ખેડૂતોનો બાકી રહેલો પાક પણ સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. તેમજ મુંગા પશુઓનો ઘાસચારો પણ આ કમોસમી વરસાદમાં ધોવાઈ ગયો છે.હાલ આ સિઝનનો પાક સંપૂર્ણ નાશ પામતા જગતના તાત ખેડૂતોની હાલત વધુ કફોળી બની ગયેલ છે. આમ, ખેડૂતોને થયેલ પારાવાર નૂકશાનમાંથી ઉગારવા સરકાર તરફથી વહેલીતકે જરૂરી વળતર ચુકવવામાં આવે તેમજ ખેડૂતોને આપવામાં આવેલ પાક ધિરાણ સહિતની સહાય બાબતે યોગ્ય કરવા સરકાર સમક્ષ જગતના તાત એવા ખેડૂત પરીવાર વતી સંસ્થા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya