
અમદાવાદ,4 નવેમ્બર (હિ.સ.) ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં પડેલા અતિભારે વરસાદને કારણે ખેડૂતોનો મોંમાં આવેલો કોળિયો પડી ગયો છે. એટલે કે, કમોસમી ભારે વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોના તૈયાર પાકને નુકસાન પહોંચ્યું છે.અત્યારે ગુજરાતમાં ખેડૂતો ખૂબ દુઃખી છે. મગફળીના પાથરા ખેતરમાં પડ્યા હતા અને તે તણાઈ ગયા. અત્યારે ખેડૂતો પાસે આપઘાત કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વધુ બે ખેડૂત મહાપંચાયત યોજવાની તૈયારી શરૂ કરી છે. ખંભાળિયાના ભાણવડમાં 9 મીએ બીજું ખેડૂત મહાપંચાયત યોજાશે અને 11 મીએ ત્રીજી ખેડૂત ખેડૂત મહાપંચાયત યોજશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂત મહાપંચાયત યોજવાની આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું રહ્યું છે. જેમાં સરકાર પાસે ખેડૂતોના દેવા માફીની માગ કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ખેડૂતો માટે લોહી પાણી એક કરી રહી છે. જેના કારણે સરકાર પણ જાગી રહી છે. મુખ્યમંત્રી પોતે ગામડાંમાં ગયા તે જોઈને અમને પણ આનંદ થયો છે. સુતેલી સરકારને જગાડવામાં અમે સફળ ગયા છીએ. હજુ પણ સરકાર લોલીપોપ આપવાની માનસિકતામાંથી બહાર આવી નથી. મહારાષ્ટ્રમાં ભાજપની સરકારના મુખ્યમંત્રીએ મિટિંગ બોલાવીને કહ્યું કે, અમે 30 જૂન પહેલા ખેડૂતોનું દેવું માફ કરીશું.
ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, કરસનભાઈ આહીર નામના ખેડૂતે બે લોન લીધી હતી, જેમાં એક લોન બેંકમાંથી લીધી હતી જે ભરપાઈ કરી શક્યા નહીં અને બીજી લોન તેમની પત્નીના ઘરેણાં ગીરવે મૂકીને લીધી હતી. ચારે તરફથી ઉઘરાણી માટેના તેમને ફોન આવતા હતા. આ તમામથી આખરે થાકીને આ ખેડૂતે આપઘાત કરી લીધો હતો.
વધુમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપની સરકાર મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોનું દેવું પણ માફ કરવામાં આવે એવી અમારી માગ છે. આ માટે આમ આદમી પાર્ટીએ કડદા કાંડથી શરૂઆત કરી હતી અને પહેલી કિસાન મહાપંચાયત અમે સુદામડામાં કરી હતી. હવે બીજી કિસાન મહાપંચાયત 9 તારીખે ખંભાળિયાના ભાણવડ પાસે કરવા જઈ રહ્યા છીએ. ત્રીજી કિસાન મહાપંચાયત 11 તારીખે ગીર સોમનાથમાં યોજવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ