


મહેસાણા, 4 નવેમ્બર (હિ.સ.) વડોદરાના પ્રોફેસર સી.સી. મહેતા ઓડિટોરિયમમાં યોજાયેલી સૃજન કલા પરિષદની પ્રતિષ્ઠિત “ઓલ ગુજરાત શેરી ગરબા અને દુર્ગાપૂજા એવોર્ડ સેરેમની 2025”માં મહેસાણાની બંગાલ ફ્રેન્ડ્સ એસોસિએશનને સતત બીજા વર્ષે શ્રેષ્ઠ આરતી કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત, દુર્ગાપૂજા પંડાલ કેટેગરીમાં ગુજરાતભરમાં ત્રીજો સ્થાન પણ મળ્યું છે.
આ વર્ષે એસોસિએશને કોલકાતાના પ્રખ્યાત દક્ષિણેશ્વર મંદિરની પ્રતિકૃતિ પંડાલ સ્વરૂપે તૈયાર કરી હતી, જે દર્શકો માટે વિશેષ આકર્ષણ બની. જ્યુરીએ આરતીની ભાવનાત્મક રજૂઆત, સંગીતના તાલમેલ અને સંસ્કૃતિક સમૃદ્ધિને વખાણી હતી.
બંગાલ ફ્રેન્ડ્સ એસોસિએશન છેલ્લા ત્રણ વર્ષથી સંદીપભાઈ મુખર્જી (રાજાભાઈ)ની આગેવાની હેઠળ કાર્યરત છે. મહેસાણાના ચાઇના ગાર્ડન પાર્ટી પ્લોટ ખાતે દર વર્ષે ભવ્ય દુર્ગાપૂજા ઉજવાય છે. કોલકાતાના કારીગરો દ્વારા તૈયાર કરાયેલી 15 ફૂટ ઊંચી દુર્ગામાતાની મૂર્તિ સાથે લક્ષ્મીજી, ગણેશજી, કાર્તિકેય અને સરસ્વતીજીની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR