
રાજકોટ,4 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના મુજબ રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીપાકને થયેલી નુકસાનીનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં સર્વેની કામગીરી સઘન રીતે ચાલી રહી છે. પડધરી તાલુકાના 58 ગામોમાંથી 50 ટકા ગામોમાં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને બાકીના ગામોનો સર્વે એકાદ-બે દિવસમાં પૂર્ણ થઈ જશે. ખેત પાક નુકસાનીના તત્કાલ શરૂ થયેલા સર્વે પ્રત્યે ખેડૂતો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.
આજે પડધરી તાલુકાના તરઘડી ગામની મુલાકાત વખતે ખેડૂત મનસુખ રઘુભાઈ ડોબરીયાએ જણાવ્યું કે, તેમના પરિવારની કુલ 80 વિઘાથી વધુ જમીન છે, જેમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે આશરે 60 વિઘામાં મગફળી ખરાબ થઈ ગઈ છે. ભેજ વધી ગયો છે અને પાથરાની મગફળી સડવા લાગી છે. સરકારે તાત્કાલિક સર્વે શરૂ કર્યો છે, તે સારું છે. હવે ટૂંક સમયમાં જ રાહત પેકેજ જાહેર કરશે તેવી આશા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ