
- ખેડ઼ૂતો, ગામના અગ્રણીઓના સહયોગથી નવ ટીમો દ્વારા સઘન રીતે ચાલતો સર્વેઃ વિસ્તરણ અધિકારી
રાજકોટ,4 નવેમ્બર (હિ.સ.) રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં હાલ ખેતપાક નુકસાની સર્વેની કામગીરી સઘન રીતે ચાલી રહી છે. અંગે પડધરી તાલુકાના વિસ્તરણ અધિકારી (ખેતી) બી.વી. ઓતરાદીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતપાક નુકસાનીના તત્કાલ સર્વેની સૂચના આપી છે. જે અનુસંધાને રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી તરફથી સર્વે માટે આદેશ કરવામાં આવ્યો હતો. જેના પગલે તાલુકાના 58 ગામોમાં હાલ નવ ટીમો દ્વારા સઘન રીતે સર્વે ચાલી રહ્યો છે. જેમાં ગામના ખેડૂતો, અગ્રણીઓ સહિતના લોકોના સહયોગથી સર્વે કરવામાં આવે છે. 50 ટકા ગામોમાં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને બાકીના ગામોમાં પણ સર્વેની કામગીરી એકાદ-બે દિવસમાં પૂર્ણ થઈ જશે.
તેમણે કહ્યું હતું કે, સર્વે પહેલાં આગલા દિવસે ગામમાં જાણ કરવામાં આવે છે. સર્વેના દિવસે જે-જે ખેડૂતો તરફથી રજૂઆત આવે છે, તેમના ખેતરોમાં જઈને સર્વે કરવામાં આવે છે. સર્વેમાં મગફળી તથા કપાસના પાકને નુકસાન પહોંચ્યાનું સામે આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ