
પાટણ, 6 નવેમ્બર (હિ.સ.) રાજ્યમાં નકલી પોલીસ બની તોડબાજી કરનારા શખ્સો પોલીસ માટે માથાનો દુઃખાવો બન્યા છે. આણંદ પછી હવે પાટણમાં પણ નકલી પોલીસ તરીકે ખંડણી વસૂલવાનો પ્રયાસ કરનારા છ શખ્સોને પોલીસે ઝડપ્યા છે. તેઓ કોલકાતાના વેપારી પાસે ₹5 લાખની ખંડણી વસૂલવા આવ્યા હતા, પરંતુ અસલી પોલીસની વોચમાં ફસાયા.
કોલકાતાના પ્લાયવુડ વેપારી મુકેશકુમાર સરજુપ્રસાદે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે પાટણ જિલ્લાના એક વ્યક્તિએ તેમને નાણાકીય છેતરપિંડી કરી હતી. આ અંગે ચર્ચા કરવા તેઓ પાટણ આવ્યા ત્યારે પોપટ રાજપુત નામના વ્યક્તિએ પોતાનું પોલીસ કનેક્શન બતાવી ક્રાઇમ બ્રાન્ચના અધિકારી પી.ટી. ઝાલા તરીકે ઓળખાવનાર નકલી પોલીસને મળાવ્યા હતા. આ નકલી અધિકારીએ કામ કરી આપવાના બદલે રૂ. 5 લાખની માંગણી કરી હતી.
મુકેશકુમારને શંકા જતાં તેમણે એલસીબી પાટણમાં તપાસ કરાવી, જ્યાં જાણવા મળ્યું કે ક્રાઇમ બ્રાન્ચમાં પી.ટી. ઝાલા કે સંજય નામના કોઈ અધિકારી નથી. વધુ તપાસમાં સામે આવ્યું કે આ આખી ખંડણીની સ્કીમ નકલી પોલીસના જૂથ દ્વારા ઘડાઈ હતી. પોલીસે ફંદો ગોઠવી 5 નવેમ્બર, 2025ના રોજ રવેટા હોટલ ખાતે વોચ ગોઠવી હતી, જ્યાં આરોપીઓ રૂપિયા લેવા આવવાના હતા.
સાંજે આરોપીઓ હોટલના રૂમ નંબર 302માં વેપારીઓને મળવા પહોંચ્યા હતા. વેપારીના ઈશારાથી પોલીસ દળે તુરંત રેઇડ કરી અને નકલી પોલીસ સહિત છેય શખ્સોને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી નકલી આઈ કાર્ડ, મોબાઇલ, કાર અને રોકડ સહિત રૂ. 18,12,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
મુખ્ય આરોપી સંજયસિંહ મફતસિંહ ઠાકોર નકલી પોલીસ યુનિફોર્મમાં ફરતો હતો. તેના મોબાઈલમાં પોલીસ યુનિફોર્મમાં બનાવેલો વીડિયો, નકલી “GUJARAT POLICE I CARD” અને “CRIME CONTROL FOUNDATION”ના માર્કાવાળું કાર્ડ મળ્યું હતું. આરોપી પાસે લાલ કલરના પોલીસ બુટ અને ખાખી મોજા પણ મળ્યા હતા, જે રાજસેવાની છબી ઉભી કરવા માટે વપરાયા હતા.
પોલીસે નકલી આઈ કાર્ડ, 11 મોબાઈલ ફોન, ત્રણ કાર , રૂ. 50,000 રોકડા અને યુનિફોર્મનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા છેય આરોપીઓ છે — સંજયસિંહ ઠાકોર, પોપટ રાજપુત, મીર સાહિદભાઈ, રમેશજી ઠાકોર, જીતેન્દ્રસિંહ પરમાર અને મહેન્દ્રસિંહ રાજપુત. પોલીસએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ