

પાટણ, 6 નવેમ્બર (હિ.સ.) પાટણ ખાતે સદારામ સેવા સમિતિ દ્વારા સદારામ કન્યા હોસ્ટેલના નિર્માણ માટે ભવ્ય ખાતમુહૂર્ત સમારંભ યોજાયો હતો. મુખ્ય દાતા બાબા ભરવાડના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બાબા ભરવાડે આ હોસ્ટેલના નિર્માણ માટે રૂ. 2.51 કરોડનું દાન આપ્યું છે. સમિતિએ જણાવ્યું કે આ અદ્યતન હોસ્ટેલમાં 1000 દીકરીઓ રહી શકશે, જ્યાં રહેવાની, ભોજન, લાઈબ્રેરી અને જીમ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સાથે જ 25% બેઠકો અન્ય સમાજની દીકરીઓ માટે અનામત રહેશે.
આ પ્રસંગે દાનવીર બાબા ભરવાડે જણાવ્યું કે ઉત્તર ગુજરાતની ઠાકોર સમાજની દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી પાટણ ખાતે હાઈટેક સુવિધાઓવાળી આ હોસ્ટેલનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. સમિતિએ આ યોજના માટે આશરે 3.5 થી 4 કરોડ રૂપિયાનો ખર્ચ આવવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે ઉમેર્યું કે આગામી 20 થી 22 મહિનામાં સમગ્ર કામ પૂર્ણ કરીને દીકરીઓને પ્રવેશ આપવામાં આવશે તેમજ હોસ્ટેલથી શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચવા માટે ત્રણ બસોની વ્યવસ્થા પણ રહેશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત બનાસકાંઠાની સાંસદ ગેનીબેન ઠાકોરે શિક્ષણના કાર્યોમાં અવરોધ ઊભા કરનારા તત્વો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે આવા લોકોને “લુખ્ખા તત્વો” ગણાવ્યા અને કહ્યું કે જેમણે દાન ન આપ્યું હોય તેમણે હિસાબ માંગવાનો અધિકાર નથી. ગેનીબેને દાન કરનાર દરેક વ્યક્તિને પારદર્શક રીતે હિસાબ આપવાની અને ટીકા કરનારાઓને અવગણવાની સલાહ આપી.
ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજના રાજકીય આગેવાનોની જવાબદારી અંગે પણ સવાલ ઉઠાવ્યો. તેમણે જણાવ્યું કે જે લોકો સમાજના નામે ચૂંટણી જીતે છે, તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન સમાજ માટે શું કર્યું તેવો હિસાબ આપવાનો સમય આવી ગયો છે. સમાજના વિકાસ માટે વાસ્તવિકતા અને નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની જરૂરિયાત હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું.
હોસ્ટેલના નિર્માણને આવકારતા ગેનીબેન ઠાકોરે કહ્યું કે દીકરીઓના અભ્યાસની ચિંતા હવે દૂર થશે, પરંતુ શિક્ષણમાં સંતુલન જાળવવું પણ જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર દીકરીઓ જ નહીં, દીકરાઓ માટે પણ હોસ્ટેલની જરૂર છે, જેથી સમાજમાં શિક્ષણનું સમતોલ વિકાસ થાય અને અસમાનતા ન ઊભી થાય.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ