
પાટણ, 16 ડિસેમ્બર (હિ.સ.) : રાધનપુરના પ્રેમનગર ગામના વડીલો, યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ગામમાં દારૂના દૂષણ સામે દારૂબંધીની માંગ સાથે પોલીસ સ્ટેશન પહોંચી રજૂઆત કરી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં દારૂના કારણે શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. દારૂડિયાઓ દારૂ પીને રસ્તાઓમાં પડ્યા રહેતા હોવાથી બાળકો શાળાએ જઈ શકતા નથી અને ગામનું વાતાવરણ બગડી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દારૂના કારણે નાની ઉંમરે મહિલાઓ વિધવા બની રહી છે અને રજૂઆત કરતા જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે. થોડા સમય પહેલા દારૂ પીધેલા વ્યક્તિએ ૧૭ વર્ષીય યુવકની હત્યા કરી હોવાની ઘટના દારૂના દૂષણની ગંભીરતા દર્શાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ