



પોરબંદર, 16 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરના મુખ્ય બજારમાં રેંકડી ધારકો વિરુદ્ધ ફરી કીર્તિમંદિર પોલીસ અને મનપા એક્શનમાં આવી છે. ટ્રાફિકને અડચણરૂપ બનનારી રેકડીઓને જપ્ત કરવાની કામગીરી તંત્ર દ્વારા થઈ રહી છે. બે દિવસમાં 20 થી વધુ રેકડીઓ જપ્ત કરવામાં આવી છે અને કચરો ફેંકનારાઓને દંડ ફટકારાયો છે.
પોરબંદરના ટ્રાફિકથી ધમધમતા મુખ્ય બજારમાં વર્ષોથી ટ્રાફિકને સંલગ્ન ઘણા પ્રશ્નો છે. આજ મુદ્દે બે સપ્તાહ પૂર્વે રેન્જ આઈ.જી. જાજડીયાના લોકદરબારમાં વેપારી અગ્રણીએ મુદ્દો ઉઠાવતા પોલીસ એક્શનમાં આવી હતી અને મુખ્ય બજારમાં બે દિવસ સુધી પેટ્રોલિંગ કરી ત્રીજા દિવસે લોખંડની જાળી, ટેબ્લો જપ્ત કરી ટ્રાફિકને અડચણ રૂપ બનનાર બે ડઝનથી પણ વધુ ધંધાર્થીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વેપારીઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને લઈ કીર્તિમંદિર પી.આઈ.ને રજુઆત કરવા પહોંચ્યા હતા જ્યાં પી.આઈ. ચૌધરીએ સ્પષ્ટ ભાષામાં જણાવ્યું હતું કે મારી બદલી મણિપુર કે નાગાલેન્ડ કરવો તો પણ મારી કામગીરી હું ચાલુ રાખીશ તેવું સ્પષ્ટ જણાવ્યું હતું અને 15 દિવસ જેટલો સમય રેંકડી-કેબીન ધારકોને આપ્યો હતો. આમ છતાં કેટલાક લારી ધારકો ન સમજતા ગઈ કાલે 15 ડિસેમ્બરની મોડી સાંજે મનપા તથા કીર્તિમંદિર પોલીસ ફરી એક્શનમાં આવી હતી હરીશ ટોકીઝ, બંગડી બજાર, રૂપાળીબાગ સહિતના વિસ્તારોમાં ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે લારીઓ રાખનારા તેમજ રાત્રીના તે સ્થળ પર જ કચરો ફેંકનારા લારી ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ગત રાત્રીના 8-10 લારીઓ તેમજ આજે મંગળવારે સવારે 10-15 લારીઓ મળી કુલ 20 થી 25 લારીઓને જપ્ત કરી હતી. આ સાથે સાથે કચરો ફેંકનારાવેપારીઓને મનપાએ દંડ ફટકાર્યો હતો.
આ કામગીરીને લઈને નાના લારી ધારકોને નારાજગી છે. હવે જોવાનું રહ્યું કે, આ લારી ધારકો માટે મનપા શું વ્યવસ્થા કરે છે. રોજેરોજ નું કમાતા હોય છે. મુખ્ય બજારમાં ટ્રાફિકને મુદ્દે હાલ તો રેક્ડી-કેબીન ધારકોને હટાવવામાં આવ્યા છે. ત્યારે પોરબંદર મનપા રેંકડી ધારકોને યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવે તેવી માંગ થઇ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya