

પાટણ, 16 ડિસેમ્બર (હિ.સ.) : સમી નજીક ગુજરવાડા પાસે કારની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. મુબારકપુરા ગામના 35 વર્ષીય દિલીપ સિંધવ સમી કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા અને નોકરી પરથી ઘરે પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ દિલીપ સિંધવ છેલ્લા ત્રણ વર્ષથી સમી કોર્ટમાં નોકરી કરતા હતા. સાંજના સમયે બાઇક પર પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યારે ગુજરવાડા નજીક પાછળથી આવી રહેલી એક કારે તેમને અડફેટે લીધા, જેના કારણે તેઓ બાઇક પરથી નીચે પટકાયા હતા.
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ દિલીપને 108 એમ્બ્યુલન્સ દ્વારા સમી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ મામલે મૃતકના ભાઈએ કાર ચાલક વિરુદ્ધ સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ