
પાટણ, 18 ડિસેમ્બર (હિ.સ.) પાટણ ભગિની સમાજ ખાતે પાટણ આર્ટસ કોલેજની 60 વિદ્યાર્થિનીઓ માટે બ્યુટી પાર્લર વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ગ ઇન્ટર્નશીપ અભ્યાસક્રમનો ભાગ છે, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓને સ્વરોજગાર માટે સક્ષમ બનાવવાનો છે.
ભગિની સમાજ 1968થી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે. સંસ્થાના ટ્રસ્ટી લ્યુનાબેન દેસાઈ, પ્રમુખ વાલીબેન પટેલ અને મંત્રી ડો. લીલાબેન સ્વામીની પ્રેરણાથી મહિલાઓના વિકાસ માટેની પ્રવૃત્તિઓ સતત આગળ વધી રહી છે.
વર્તમાન સમયમાં સરકારી નોકરીઓની તકો ઓછી હોવાથી, પાટણ યુનિવર્સિટી અને સરકારના માર્ગદર્શન હેઠળ સ્વરોજગારીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને, આર્ટસ કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે આ વિશેષ પહેલ કરવામાં આવી છે.
આર્ટસ કોલેજના આચાર્ય ડૉ. રીયા પારેખ અને પ્રો. ભાવના પટેલની માર્ગદર્શન હેઠળ ભગિની સમાજની પસંદગી કરવામાં આવી હતી. આ વર્ગમાં વિદ્યાર્થિનીઓ કુલ 120 કલાકનું બ્યુટી પાર્લર તાલીમનું જ્ઞાન મેળવશે.
વર્ગના પ્રારંભ પ્રસંગે સલાહકાર સમિતિના સભ્ય મનોજ પટેલે વિદ્યાર્થિનીઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી અને ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થિનીઓને તાલીમનો સંપૂર્ણ લાભ લેવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ