
પાટણ, 18 ડિસેમ્બર (હિ.સ.) પાટણની સેશન્સ કોર્ટે હારીજ ડમ્પર ઠગાઈ કેસના એક આરોપી ઉમેશ રમુગા બિગાન પ્રસાદને તેની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જામીનની રકમમાં ઘટાડો કર્યો છે. અગાઉ કોર્ટે તેને રૂ. 25,000ના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ પૈસાની વ્યવસ્થા ન થઈ શકતાં તે 22 દિવસ વધુ જેલમાં રહ્યો હતો.
આ કેસમાં હારીજ પંથકના બે વ્યક્તિઓ પાસેથી રૂ. 29,36,400 અને રૂ. 28,49,200ની કિંમતના બે ડમ્પરો વેચાણ રાખી, તેના પૈસા કે વાહનો પરત ન આપીને છેતરપિંડી કર્યાનો આરોપ છે. આ મામલે અજય કહાર અને ઉમેશ રમુગા બિગાન પ્રસાદ વિરુદ્ધ 3 સપ્ટેમ્બર, 2025ના રોજ હારીજ પોલીસ મથકે B.N.S. 316(2), 54 હેઠળ ગુનો નોંધાયો હતો.
ઉમેશ રમુગા બિગાન પ્રસાદની 8 ઓક્ટોબર, 2025ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તે બિહારનો વતની હોવાથી નાસી છૂટવાની શક્યતા હોવાનું કોર્ટએ નોંધ્યું, તેમ છતાં તેની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, અગાઉના હુકમમાં ફેરફાર કરી હવે તેને રૂ. 10,000ના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ