
- 1 વાગ્યા સુધીમાં ખાલી કરી દેજો નહીં તો ઉડાવી દઇશું,, બોમ્બ-ડોગ સ્ક્વોડનું ચેકિંગ
વડોદરા,18 ડિસેમ્બર (હિ.સ.) ગઈકાલે અમદાવાદ, ગાંધીનગર, કલોલ સહિત અન્ય વિસ્તારોમાં આવેલી નામાંકિત સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મોકલતા ભારે દોડધામ મચી હતી. જેમાં તપાસના અંતે કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. જ્યારે આજે વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે. ઈ-મેલમાં લખવામાં આવ્યું છે કે, '1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું.' આ ગંભીર ધમકીને પગલે અકોટા પોલીસ, એસ.ઓ.જી., વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને હાલમાં કલેક્ટર કચેરીના તમામ વિભાગોમાં સઘન ચેકિંગ અને સુરક્ષા તપાસની કામગીરી ચાલી રહી છે. વડોદરા કલેકટર કચેરીમાં અરજદારોને પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે અને સમગ્ર કલેક્ટર કચેરીમાં હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ડીસીપી મંજિતા વણઝારાએ જણાવ્યું હતું કે, મેલ મળતા જ પોલીસની તમામ ટીમો કલેક્ટર કચેરી પહોંચી ગઈ હતી. કલેક્ટર કચેરીની અંદર અને બહાર ચેકિંગ કરવામાં આવ્યું પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. વહેલી સવારે 6 વાગ્યે ધમકીભર્યો મેલ મળ્યો હતો.
વડોદરા કલેકટર કચેરીમાં ખેડૂતો વળતર માટે રજૂઆત કરવા માટે આવેલા અરજદારો અટવાયા. પરંતુ બોમ્બની ધમકીને પગલે રજૂઆત કરી શક્યા ન હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ