



પોરબંદર, 23 ડિસેમ્બર (હિ.સ.) : મહિલાઓના ઉત્કર્ષ અને સ્વાવલંબન માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓના સકારાત્મક પરિણામો હવે જમીન પર દેખાઈ રહ્યા છે. આવી જ એક પ્રેરણાદાયી કહાની પોરબંદર જિલ્લાના બળેજ ગામના રીનાબેન વેગડાની છે, જેઓ પ્રેરણા સખી મંડળના માધ્યમથી આત્મનિર્ભર બની લખપતિદીદી સુધી પહોંચ્યા છે.
આ સંદર્ભે રીનાબેન વેગડાએ જણાવ્યું હતું કે,છેલ્લા ત્રણથી ચાર વર્ષથી પ્રેરણા સખી મંડળ સાથે જોડાઈને લિપ્પન આર્ટ,રેઝીન આર્ટ,ગૃહ શુભોસનની વસ્તુ દીવાલ ઘડિયાળ, લાભ શુભ, તોરણ તેમજ રેઝીનમાં ફોટો ફ્રેમ, કિચેઇન, એરિંગ્સ, તેમજ મોબાઈલ કવર સહિત વિવિધ પ્રકારની હસ્તકલાઓ તૈયાર કરી રહ્યા છે. સરસ મેળા તથા અન્ય વિવિધ મેળાઓમાં સરકાર દ્વારા મળતા યોગ્ય પ્લેટફોર્મના કારણે તેમની બનાવટોને બજારમાં સારી માંગ મળી રહી છે,જેના પરિણામે વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, સરકારની સહાય અને માર્ગદર્શનથી તેમની કલાને ઓળખ મળી છે અને હસ્તકલા આધારિત વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા તેઓ અત્યાર સુધીમાં એક લાખ રૂપિયાથી વધુની આવક મેળવી ચૂક્યા છે. આ સફળતા બદલ તાજેતરમાં પોરબંદર ખાતે યોજાયેલા સશક્ત નારી મેળામાં વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે તેમને ‘લખપતિદીદી’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
રીનાબેન વેગડાની સફળતા અન્ય મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની દિશામાં પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya