
મહેસાણા,25 ડિસેમ્બર (હિ.સ.)
ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત, પથદર્શક અને ભારત રત્ન, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈની જન્મજયંતિ નિમિત્તે “સુશાસન દિવસ” તરીકે આજે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
આ અવસરે કાર્યકર્તાઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં અટલજીના પ્રેરણાદાયી જીવનચરિત્ર પર આધારિત વિશેષ પ્રદર્શનનું અવલોકન કરવામાં આવ્યું. પ્રદર્શનમાં તેમની રાજકીય દૃષ્ટિ, રાષ્ટ્રપ્રેમ, લોકશાહી મૂલ્યો અને શાસનક્ષમતાને ઉજાગર કરતી તસવીરો અને માહિતી રજૂ કરવામાં આવી હતી. અટલજીના નમ્ર સ્વભાવ, સ્પષ્ટ વિચારધારા અને સર્વસમાવેશક નેતૃત્વની યાદોએ સૌને ગૌરવની લાગણી કરાવી.
અટલ બિહારી વાજપેયીજીનું સમગ્ર જીવન રાષ્ટ્રસમર્પણ, સુશાસન અને માનવીય મૂલ્યોનું ઉત્તમ ઉદાહરણ રહ્યું છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન દેશને સ્થિર અને દૃઢ નેતૃત્વ આપ્યું તેમજ વિકાસ અને સુરક્ષાના ક્ષેત્રે મહત્વપૂર્ણ દિશા દર્શાવી. તેમના વિચારો અને આદર્શો આજે પણ કાર્યકર્તાઓને નિષ્ઠાપૂર્વક દેશસેવા માટે પ્રેરણા આપે છે.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ અટલજીના દર્શાવેલા માર્ગ પર ચાલવાની પ્રતિજ્ઞા લઈને “સુશાસન દિવસ”ની ભાવનાને વધુ મજબૂત બનાવી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR