
અમદાવાદ,25 ડિસેમ્બર (હિ.સ.) અમદાવાદીઓ માટે વર્ષના અંતની ઉજવણીનો સૌથી મોટો તહેવાર એટલે કાંકરિયા કાર્નિવલ 2025ની આજે 25 ડિસેમ્બરથી ભવ્ય શરૂઆત થઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાંજે 7 વાગ્યે કાર્નિવલનો શુભારંભ થશે. કાંકરિયા કાર્નિવલ 2025ની શરૂઆત પ્રખ્યાત ગાયક કિર્તીદાન ગઢવી પોતાના સુરોથી માહોલને રંગીન કરશે.
આ વર્ષે કાર્નિવલમાં નવા આકર્ષણો જેમ કે ડ્રોન શો, પાયરો શો (આગ સાથે ડાન્સ), પેટ ફેશન શો અને લાઈટ એન્ડ સાઉન્ડ શો સાથે લોકોને મફત પ્રવેશ આપવામાં આવશે, જે 31 ડિસેમ્બર સુધી ચાલશે.
કાંકરિયા લેકની આસપાસનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યુટર્ન જાહેર
શહેરના કાંકરિયા તળાવ ખાતે આગામી 25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ યોજાવા જઇ રહ્યો છે. જેમાં VVIPની સાથે મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી પોલીસે આગોતરૂ આયોજન કર્યુ છે.
શહેર ટ્રાફિક પોલીસે કાંકરિયા લેકની આસપાસનો કેટલોક વિસ્તાર નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યુટર્ન જાહેર કર્યો છે.
કાંકરિયા કાર્નિવલમાં તમામ લોકોને વહેલી સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ફ્રીમાં એન્ટ્રી મળશે.7 દિવસમાં કાંકરિયા કાર્નિવલમાં ગુજરાતી ગાયક કલાકારો જેમાં કિર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, ઈશાની દવે, બ્રિજદાન ગઢવી સહિતના કલાકારો પરફોર્મન્સ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ