
મહેસાણા, 25 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાતના ખેતી ક્ષેત્રે એક ક્રાંતિકારી પહેલ તરીકે ઓળખાયેલી કિસાન સૂર્યોદય યોજનાએ ખેડૂતોના જીવનમાં સાચા અર્થમાં નવો ઉજાસ લાવ્યો છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેના કારણે ખેતી કાર્ય વધુ સુલભ, સુરક્ષિત અને ઉત્પાદનક્ષમ બન્યું છે.
ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉ ખેડૂતોને રાત્રીના સમયે ખેતરે જવું પડતું હતું, જેમાં જંગલી પ્રાણીઓ, અકસ્માત અને આરોગ્ય સંબંધિત જોખમો રહેતા હતા. કિસાન સૂર્યોદય યોજનાથી હવે આ ભયમાંથી મુક્તિ મળી છે અને ખેડૂતો દિવસ દરમિયાન નિર્ભયતાથી ખેતી કામગીરી કરી શકે છે.
આ યોજનાનો વિશેષ લાભ મહેસાણાને મળી રહ્યો છે. મહેસાણા જિલ્લાના કુલ ૫૯૪ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પરિણામે પાણી વ્યવસ્થાપન સુધર્યું છે, ખેતી ખર્ચમાં ઘટાડો થયો છે અને પાક ઉત્પાદન વધ્યું છે. સાથે સાથે ખેડૂતોના જીવનમાનમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. દિવસે વીજળી મળવાથી ખેડૂતોને પરિવાર માટે વધુ સમય મળતો થયો છે તેમજ આરોગ્ય અને સામાજિક જીવન પર સકારાત્મક અસર પડી છે. કિસાન સૂર્યોદય યોજના માત્ર વીજ પુરવઠાની યોજના નથી, પરંતુ ખેડૂતોના સર્વાંગી વિકાસ અને સુશાસનનું ઉત્તમ ઉદાહરણ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR