
પાટણ, 26 ડિસેમ્બર (હિ.સ.) : આજે 26 ડિસેમ્બરે દેશભરમાં “વીર બાળ દિવસ”ની ઉજવણી કરવામાં આવી. ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહના બલિદાનની સ્મૃતિમાં પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બીબીએ ભવન ખાતે બંને વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવે યુવાનોને દેશભક્તિ અને રાષ્ટ્રસેવા માટે પ્રેરિત કરતું વક્તવ્ય આપ્યું. તેમણે શીખ ગુરુ પરંપરાના બલિદાનોની પ્રેરણાદાયી વાતો રજૂ કરી અને યુવાનોને દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવા માટે આહ્વાન કર્યું.
હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડો. કે.કે. પટેલે પણ “વીર બાળ દિવસ”ની ઉજવણીનું મહત્વ સમજાવ્યું અને સ્ટાર્ટઅપ તથા મેક ઇન ઇન્ડિયા જેવી સરકારની યોજનાઓનો ઉલ્લેખ કર્યો. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ સહિત અધ્યાપકો, આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ