

પાટણ, 26 ડિસેમ્બર (હિ.સ.) : ચોમાસાની ઋતુમા કાકોશી ચાર રસ્તા પાસે વરસાદી પાણી ભરાઈ રહેતા રાહદારીઓ અને વાહન ચાલકો ને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યારે આ સમસ્યાના કાયમી નિવારણ માટે આ વિસ્તારમા વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી સાથે રોડની બંને બાજુ ડિવાઈડરની પાળીઓ બનાવવામા આવી રહી છે. આ કામગીરીને લઇને આસપાસની દુકાનો અને હોટલોની ગટર લાઇનની ચેમ્બરો બ્લોક થવાને કારણે કાકોશી હાઇવે ઉપર સવારે વન વિભાગની કચેરી સુધી ગટરના ગંદા પાણીનો રેલો પહોચે છે.
સિદ્ધપુરના કાકોશી ચાર રસ્તા હાઇવે ખાતે અને કાકોશી ગામ તરફ જવાના માર્ગે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાઈ રહેવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, ત્યારે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વરસાદી પાણીના નિકાલ માટે અન્ડર વોટર ડ્રેનેજ લાઈનની પાઇપો નાખવાની સાથે રોડની બંને તરફ ડિવાઈડર બનાવવાની કામગીરી પણ કરવામા આવી રહી છે. આ કામગીરીને લઇને કોન્ટ્રાક્ટર દ્રારા સિદ્ધપુર નગર પાલિકાને જાણ કર્યા વગર કે પાલિકાના અધિકારીને કામગીરી દરમ્યાન સાથે રાખ્યા વગર ખોદકામની કામગીરી શરૂ કરતા કોન્ટ્રાક્ટરની બેદરકારી ને કારણે આસપાસની દુકાનો અને હોટલોની ગટર લાઇનની ચેમ્બરો બ્લોક થતા તેમજ પાણીની લાઇન તુટી જતા છેલ્લા દસ દિવસથી કાકોશી ચાર રસ્તા ખાતે ગટરના ગંદા પાણીનો રેલો છેક અડધો કિલોમીટર સુધી પહોચી આખા હાઇવે ઉપર ફેલાયેલું જોવા મળે છે.
આ સમસ્યાથી વેપારીઓમા ભારે રોષ જોવા મળતા રોજે રોજ ગટરના ગંદા પાણી થી હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત રોડની બંને તરફ ડિવાઈડર બનાવવામાં આવતા આ ડિવાઈડર રોડ થી વધુની ઊંચાઈ વાળા બનાવવામાં આવતા વેપારીઓ પોતાની દુકાન સુધી વાહન લઈ જઈ શકતા નથી અને ડિવાઈડરની રોડ બાજુ વાહન પાર્ક કરવા પડે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ