



પોરબંદર, 28 ડિસેમ્બર (હિ.સ.)જેસીઆઈ (જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ) પોરબંદરમાં વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક કાર્યો માટે 12 વર્ષ પૂર્ણ કરી શહેરની અગ્રીમ હરોળની સંસ્થા બની ચુકી છે, ત્યારે જેસીઆઈ પોરબંદરના વર્ષ 2026ના પ્રમુખ અને ટીમનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. નવનિયુક્ત પ્રમુખ તરીકે પ્રતીક લાખાણી, સેક્રેટરી વિવેક લાખાણી અને સમગ્ર ટીમે પોરબંદરમાં યુવાનોના વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક ઉત્થાન માટે સમગ્ર વર્ષ દરમિયાન સુંદર કાર્યક્રમોની ભેટ આપવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
પોરબંદરમાં વર્ષ 2014માં લાખણશી ગોરાણીયાના નેતૃત્વ હેઠળ જેસીઆઈ પોરબંદર પ્લસની સ્થાપના કરવામાં આવી હતી, ત્યાર પછી બિરાજ કોટેચા, સંજય કારીયા, કલ્પેશ અમલાણી, સંદીપ કાનાણી, તેજશ બાપોદરા, નિલેશ જોગીયા, હાર્દિક મોનાણી, રોનક દાસાણી, સાહિલ કોટેચા, આકાશ ગોંદીયા અને રાધેશ દાસાણી સહિત પ્રમુખોએ જેસીઆઈ પોરબંદરને સુંદર નેતૃત્વ પૂરું પાડ્યું હતું. 12 વર્ષની મંજીલ કાપી ચુકેલી આ સંસ્થાના દરેક પ્રમુખોના અથાગ પ્રયત્નો અને સમગ્ર ટીમના સુંદર સંકલનથી પોરબંદરને અનેકવિધ કાર્યક્રમોની ભેટ આપી છે. આ ઉપરાંત જેસીઆઈ પોરબંદરના આઠ જેટલા સભ્યો ઝોન કક્ષાએ જુદા જુદા હોદ્દાઓ ઉપર સેવા આપી ચુક્યા છે. લાખણશી ગોરાણીયા અને બિરાજ કોટેચાએ રાષ્ટ્રીય કક્ષાએ પણ નેતૃત્વ કરી પોરબંદરનું નામ રોશન કર્યું છે. આમ જેસીઆઈ પોરબંદરે 12 વર્ષની સફરમાં શહેરના સામાજિક સ્તરને ઊંચું લાવે તેવી પ્રવૃત્તિઓના માધ્યમથી સામાજિક નેતૃત્વમાં સફળતા પ્રાપ્ત કરી પોરબંદરનું ગૌરવ વધાર્યું છે.
પોરબંદરના બાળકો અને મહિલાઓના સામાજિક અને વ્યક્તિગત ઘડતર માટે જેસીઆઈ પોરબંદરની મહિલા ટીમ પણ સતત કાર્યરત રહે છે. વર્ષ 2025ના પ્રમુખ તરીકે સુંદર કામગીરી કરનાર એકતા દાસાણીએ જેસીઆઈ મહિલા વિંગના વર્ષ 2026ના પ્રમુખ તરીકે ડૉ. દિશા લાખાણીને જવાબદારી સોંપી હતી.
જેસીઆઈ પોરબંદરના શપથવિધિ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા, અતિથિ વિશેષ તરીકે કલેકટર એસ.ડી.ધાનાણી, મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ મુખ્ય વક્તા તરીકે ડો. સ્નેહલ જોશી, ઈન્સ્ટોલિંગ ઓફિસર તરીકે જેસીઆઈ ઇન્ડિયાના પૂર્વ નેશનલ ટ્રેઝરર બિરાજ કોટેચા વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી જેસીઆઈની નવનિયુક્ત ટીમને વર્ષ 2026ની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શપથવિધિ સમારોહને સફળ બનાવવા જેસીઆઈ પોરબંદરની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આકાશ ગોંદીયા અને રોનક દાસાણીએ કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya