
પાટણ, 29 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકામાં ડીંડરોલ–મામવાડા રોડના મજબૂતીકરણ માટે રૂ. 425 લાખના ખર્ચે વિકાસ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. પાટણ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટને સરકાર તરફથી 01 જુલાઈ, 2025ના રોજ વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. માર્ગની કુલ લંબાઈ 3.50 કિલોમીટર છે.
આ યોજના હેઠળ હયાત ડામર રોડની રીસર્ફેસીંગ, જરૂરી સ્ટ્રક્ચર કામ, ગામતળ વિસ્તારમાં સી.સી. રોડ તથા રોડ ફર્નીશીંગની કામગીરીનો સમાવેશ થાય છે. આ કામ માટે માર્ગ અને મકાન વિભાગે 07 નવેમ્બર, 2025થી વિનય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વર્ક ઓર્ડર આપ્યો છે.
હાલમાં રોડ પર ડામર રીસર્ફેસીંગ અને મજબૂતીકરણની કામગીરી પ્રગતિમાં છે. જરૂરી ડબલ્યુ.એમ.એમ. (WMM) તેમજ ગામતળ વિસ્તારમાં સી.સી. રોડની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. બાકી રહેલી રોડ ફર્નીશીંગની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
આ માર્ગના વિકાસથી ડીંડરોલ, મામવાડા તથા આસપાસના ગામોના લોકોને સુરક્ષિત અને સુગમ મુસાફરી મળશે. મુસાફરીનો સમય અને ઇંધણ ખર્ચ ઘટશે તેમજ શિક્ષણ, આરોગ્ય અને અન્ય સેવાઓ સુધી પહોંચ સરળ બનશે. આથી સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસને ગતિ મળશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ