
જૂનાગઢ, 29 ડિસેમ્બર (હિ.સ.) : સંપૂર્ણ ભારતમાં કેળાં ખૂબ જ લોકપ્રિય ફળ છે. દરેક ઉત્સવ, સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં કેળાએ પોતાનું મહત્ત્વ સદીઓથી બનાવી રાખ્યું છે. તે પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે, સ્વાદિષ્ટ, ખાવામાં સરળ અને કિંમતમાં પણ સસ્તાં હોય છે.
કેળાંની રોપણી તેના પીલાં/કંદ લગાવીને કરવામાં આવે છે. કંદનું વજન ૪૦૦ થી ૬૦૦ ગ્રામ હોય છે. તેનો આકાર પાકેલા નાળિયેર જેવો હોવો જોઈએ. કંદનો રંગ ઘેરો લાલ હોવો જોઈએ. કંદ વાવ્યા પછી તેમાંથી ૨૦૦ થી ૫૦૦ ની સંખ્યામાં મૂળ નીકળે છે. કંદ જો પ્રાકૃતિક કેળાનાં છોડમાંથી લેવામાં આવ્યું હોય તો કેળાનું ઉત્પાદન વધુ મળશે. સામાન્ય રીતે કેળાના પાકમાં ત્રણ ઋતુમાં ઉત્પાદન લેવામાં આવે છે. ૧. મૃગ બહાર – જૂન, જુલાઈ, ઓગસ્ટ, ૨. આંબે બહાર- સપ્ટેમ્બર, ઓક્ટોબર અને ૩. હસ્ત બહાર- ડિસેમ્બર, જાન્યુઆરી ઉત્પાદન લેવામાં આવે છે.
કેળામાં વાવવાનું અંતર : ૮ x ૪ ફૂટ, ૯ × ૪.૫ ફૂટ, ૮ x ૮ ફૂટ અને ૧૨ x ૧૨ ફૂટ રાખવું જોઈએ, ઉપરાંત નાની છાલના પ્રકારની જાત માટે અંતર : ૮ × ૪ ફૂટ, ૯ × ૪.૫ ફૂટ અને ૪.૫ × ૪.૫ ફૂટ રાખવું જોઈએ.
બીજામૃતથી બીજ માવજત કરીને કંદને વાવો. જેવડો આકાર કંદનો હોય તેટલો ખાડો ખોદો. તેમાં બે મઠ્ઠી છાણિયું ખાતર તથા ઘન જીવામૃતનું મિશ્રણ નાખો. ત્યાર પછી નજીકની માટી નાખીને તેને દબાવો અને ઉપરથી જીવામૃત નાખો. વચ્ચે ચોળા, મરચી, ડુંગળી, ગલગોટા અને શાકભાજીના આંતર પાક વાવો. કેળના બે છોડની વચ્ચે સરગવા વાવો.
દર પંદર દિવસે એક વખત સિંચાઈના પાણી સાથે જીવામૃત આપો. કેળાની લુમ કાપતાં પહેલાં છોડવાનું કોઈપણ લીલું કે સુકાયેલું પાન કાપો નહીં. આ પાન છોડવાઓની પોષક તત્ત્વોની રિઝર્વ બેન્ક સમાન હોય છે. કંદ વાવ્યા પછી ત્રણ મહિના સુધી દરેક ચાસમાં પાણી આપો. ત્રણ મહિના પછી છોડ વાળા ચાસમાં પાણી આપવાનું બંધ કરો. બાકીના ત્રણ ચાસમાં પાણી આપો. દરેક વખતે પાણી સાથે જીવામૃત આપો.
જયારે ફૂલ બહાર આવે ત્યાં સુધી છોડવાઓના મૂળમાંથી જે અંકુર નીકળે તે બધાને કાપીને ત્યાં જ આચ્છાદનના રૂપમાં નાખી દો. જે દિવસે ફૂલ બહાર નીકળે તે દિવસે તે જે દિશામાં નીકળે તેનાથી ઠીક વિરુદ્ધ દિશામાં એક અંકુર રાખી દો અને બાકીના કાપી અને આચ્છાદન કરી દો. કેળાંની લૂમ કાપ્યા પછી તેનું થડ કાપો નહીં. તેને તેમ જ ઊભું રહેવા દો.
જેમ જેમ રાખી દીધેલો છોડ મોટો થતો જશે તેમ તેમ થડ પોતાની રીતે તે જ જગ્યા ઉપર નીચે પડી જશે અને છેવટે ઉભેલા છોડમાં તેનાં પોષક તત્ત્વો સમાઈ જશે. લૂમ કાપ્યા પછી પાન કાપીને તેનું આચ્છાદન કરો. આવી રીતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી તમે કેળાનું ઉત્પાદન મેળવી શકાઈ છે.
કેળાંનો એકલો પાક, પાક ફેરબદલીથી મિશ્રપાક, આંતરપાક, સહજીવી પાક વગેરે જુદી જુદી પદ્ધતિઓથી લેવામાં આવે છે. દક્ષિણ ભારતના રાજ્યો કેરાલા, કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર વગેરેમાં કેળાનો પાક મુખ્ય પાક નાળિયેર અને સોપારીની સાથે આંતર પાકના રૂપમાં લેવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ