
જૂનાગઢ, 29 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢમાં બહાઉદ્દીન સરકારી વિનિમય કોલેજ ખાતે આવેલ ઇનોવેશન ક્લબ તથા SSIP ના સંયુક્ત ઉપક્રમે ડિઝાઇન વિચારધારા, વિશ્લેષણાત્મક વિચાર તથા ઇનોવેશન વિષય અંતર્ગત વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપનો હેતુ વિદ્યાર્થીઓમાં ઇનોવેશન ક્ષેત્રે સમસ્યા હલ કરવાની પ્રક્રિયામાં સમીક્ષાત્મક, સર્જનાત્મક અને નવીન દૃષ્ટિકોણ વિકસાવવાનો હતો.
આ વર્કશોપમાં પ્રથમ સત્ર દરમિયાન શ્રી ડો.શબ્બીર પરમારે ઇનોવેશન, આવિષ્કાર, પ્રોટોટાઇપ અને સમાલોચનાત્મક વિચાર જેવા મુખ્ય શબ્દોની સ્પષ્ટતા સાથે સૈદ્ધાંતિક વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે આ સંકલ્પનાઓ વચ્ચેનો તફાવત અને પરસ્પર સંબંધ સમજાવતા નવીન વિચારો કેવી રીતે વિકસે છે અને વ્યવહારિક સ્વરૂપ ધારણ કરે છે તે વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. બીજું સત્ર સંપૂર્ણપણે ઇન્ટરેક્ટિવ અને પ્રવૃત્તિ આધારિત હતું. આ સત્રમાં ડૉ.પરમારે વિદ્યાર્થીઓમાં સમીક્ષાત્મક વિચારશક્તિ અને વિશ્લેષણાત્મક દૃષ્ટિ વિકસે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવી હતી.
આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રશ્નો ઉઠાવવાની વિવિધ દૃષ્ટિકોણથી વિચારવાની તથા સર્જનાત્મક ઉકેલો લાવવાની પ્રેરણા મળી હતી. ત્રીજા સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના નવીન અને સર્જનાત્મક વિચારો ડૉ.શબ્બીર પરમાર સમક્ષ રજૂ કર્યા હતા. ચોથા સત્રમાં ડો.શબ્બીર પરમારે વિદ્યાર્થીઓના રજૂ કરાયેલા વિચારોને આધારે પ્રોટોટાઈપમાં રૂપાંતર કરવા અને ભવિષ્યમાં તેને સ્ટાર્ટઅપ સાથે જોડવાની દિશામાં વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડયું હતું.
આ વર્કશોપમાં વિદ્યાર્થીઓબે સક્રિય રીતે ભાગ લઈને વિવિધ દૃષ્ટિકોણથી વિચારવાનો અનુભવ મેળવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી ડૉ.જે.આર.વાંજાનો માર્ગદર્શન હેઠળ ઇનોવેશન તથા SSIP ના સેલ કો- ઓડીનેટર ડો.દીપિકા કેવલાણી, ડૉ.જે.જે.વ્યાસ, ડૉ.આર.એચ.પરમાર, ડૉ.જિગ્નેશ કાચા, ડો.મેઘરાજ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સંસ્થાના આચાર્ય ડો. જે.આર.વાંજા દ્વારા વિદ્યાર્થીઓની ભાગીદારીને બિરદાવવામાં આવી હતી. તેમજ આ ક્ષેત્રમાં રહેલા વિવિધ સ્ટાર્ટઅપની તકો અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત તથા પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા સંસ્થાના અન્ય અપ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થામાં નવીન વિચારધારા, તર્કસંગત અભિગમ અને સર્જનાત્મકતાનો અભિગમ વિકસાવવા માટે પ્રાયોજિત આ વર્કશોપમાં કુલ ૯૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમ આચાર્ય બહાઉદ્દીન સરકારી વિનિમય કોલેજ, જૂનાગઢ એ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ