




પોરબંદર, 29 ડિસેમ્બર (હિ.સ.) : આજ રોજ પોરબંદર ખાતે ઇન્ડિયન નેવી દ્વારા સ્વદેશી નિર્મિત પરંપરાગત ટાંકાવાળું સઢવાળું જહાજ, ઇન્ડિયન નેવલ સેઇલિંગ વેસલય કૌન્ડિન્યાને પ્રથમ વિદેશી સફર માટે નેવીના અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ.
આજરોજ ઇન્ડિયન નેવીમાં ઐતિહાસિક નેવલ સેઇલિંગ વેસલય કૌન્ડિન્યા નો સમાવેશ કરાયો છે. આ ઐતિહાસિક જહાજ અજંતાની ગુફાઓમાં મળેલા ચિત્રોના આધારે 2000 વર્ષ જૂની ટેકનિકથી તૈયાર કરવામાં આવ્યું છે. લાકડાના પાટિયામાંથી બનેલા આ જહાજને નાળિયેરની દોરીઓથી સીવવામાં આવ્યું છે, તેમાં ક્યાંય પણ ખીલાનો ઉપયોગ થયો નથી. જહાજમાં ન તો એન્જિન છે અને ન તો જીપીએસ. તેમાં ચોરસ સુતરાઉ સઢ અને પેડલ લગાવવામાં આવ્યા છે. આ જહાજ સંપૂર્ણપણે હવાના સહારે, કપડાના સઢથી ચાલશે.
આ જ વર્ષે 20 મેના રોજ સીવીને બનાવવામાં આવેલું જહાજ ઇન્ડિયન નેવલ સેલિંગ વેસલ (INSV) કૌંડિન્ય ભારતીય નૌકાદળના જહાજી કાફલામાં સામેલ કરવામાં આવ્યું હતું. તેનું નામ ભારતીય નાવિક કૌંડિન્યના નામ પર રાખવામાં આવ્યું છે. તેમણે હિંદ મહાસાગર પાર કરીને દક્ષિણ-પૂર્વ એશિયાની યાત્રા કરી હતી.આ ઉપરાંત, જહાજના સઢ પર ગંડભેરુંડ (દૈવી પક્ષી) અને સૂર્યની આકૃતિઓ છે. જહાજ ના બને છેડે તે નકશીકામવાળો સિંહ અને ડેક પર હડપ્પા શૈલીનો પથ્થરનો લંગર લગાવવામાં આવ્યો છે.
સિવણ તકનીકથી જહાજ બનાવવાની પરિયોજનામાં સંસ્કૃતિ મંત્રાલય, નૌકાદળ અને હોદી ઇનોવેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. કેરળના કારીગરોએ તેને બનાવવામાં સંપૂર્ણપણે પરંપરાગત પદ્ધતિઓ અને કાચા માલનો ઉપયોગ કર્યો. માસ્ટર શિપરાઈટ બાબુ શંકરનના નેતૃત્વ હેઠળ હજારો કારીગરોએ હાથથી સીવેલા સાંધા બનાવ્યા. જહાજ ફેબ્રુઆરી, 2025માં ગોવાના હોદી શિપયાર્ડમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આધુનિક જહાજ નિર્માણના ઇતિહાસમાં એક દુર્લભ સિદ્ધિ છે.'
ભારતમાં ઓમાનના સલ્તનતના રાજદૂત ઇસા સાલેહ અલ શિબાની, ભારતીય નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં, વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, વીએડમિર કૃષ્ણા સ્વામિનાથન દ્વારા આ જહાજને લીલી ઝંડી આપવામાં આવી હતી.આ જહાજ પોરબંદર થી ઓમાન સલતનત ના મસ્ક્ત સુધીની પ્રથમ વિદેશી સફર પર રવાના થયું છે.આ અભિયાન ભારત અને ઓમાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નોંધપાત્ર રીતે વધારશે તેવી અપેક્ષા છે, જે સહિયારા દરિયાઈ વારસાને મજબૂત બનાવશે અને સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે. મસ્કતમાં INSV કૌંડિન્યાનું આગમન સદીઓથી બે દરિયાઈ રાષ્ટ્રોને જોડતા મિત્રતા, પરસ્પર વિશ્વાસ અને આદરના સ્થાયી બંધનોનું શક્તિશાળી પ્રતીક બનશે. આ સફર ગુજરાત અને ઓમાન વચ્ચેના ઊંડા ઐતિહાસિક જોડાણોને પણ પ્રકાશિત કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya