
સુરત, 31 ડિસેમ્બર (હિ.સ.): શહેરના અમરોલી વિસ્તારમાં જુના કોસાડ રોડ પર આવેલ સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. રાત્રિના સમયે ઘરના દરવાજાનું તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૫.૬૬ લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવને પગલે ભોગ બનનારે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના વતની અને સુરતના અમરોલી વિસ્તારમાં જુના કોસાડ રોડ પર આવેલ સાંઈ ધામ સોસાયટીમાં રહેતા સંતોષ રમેશભાઈ વસાવા બેન્ક ઓફ બરોડામાં કેશિયર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પરિવાર સાથે સૌરાષ્ટ્ર ફરવા માટે ગયા હતા. આ સમયે તેમનું ઘર બંધ હતું. ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તારીખ 28/12/2025 ના રોજ સાંજે આઠ વાગ્યાથી તારીખ 29/12/2025 ના સવારે 9:30 વાગ્યાની અંદર કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ અલગ અલગ ત્રણ તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 5.66 લાખની ચોરી કરી તસ્કરો પ્લાન થઈ ગયા હતા. બનાવને પગલે સંતોષભાઈ ને ચોરીની જાણ થતા તેઓએ ગતરોજ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે