

અમદાવાદ, 31 ડિસેમ્બર (હિ.સ.) : સમગ્ર શિક્ષા ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ (ગ્રામ્ય)ના સંયુક્ત ઉપક્રમે ધંધુકાની વિમલમાતા સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના 'કારકિર્દી માર્ગદર્શન સેમીનાર'નું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ-૧૦ અને ૧૨ ના પરીક્ષાર્થીઓ પૂર્ણ આત્મવિશ્વાસથી તૈયારીઓ કરી ઉત્તમ સિદ્ધિઓ પ્રાપ્ત કરે અને તેમનામાં સંસ્કારોનું સિંચન થાય તેવા શુભ આશયથી આ 'કારકિર્દી માર્ગદર્શન સેમીનાર - ૨૦૨૫' યોજાયો હતો.
આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ડો. જીજ્ઞેશ ટાપરીયા (પ્રિન્સિપાલ, કિશનદાસ કિકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધંધુકા) અને ડો. અપર્ણા વર્મા (કારકિર્દી માર્ગદર્શન વિભાગ, રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગર) દ્વારા બાળકોને વિશેષ મોટિવેશન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-૧૦ અને ૧૨ પછીના વિવિધ કોર્સની ઉપલબ્ધતા, પરીક્ષા દરમિયાન મૂંઝવતા પ્રશ્નોના જવાબો અને જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત કેરિયર કાર્ડની જરૂરિયાત અને રક્ષા શક્તિ યુનિવર્સિટીના અભ્યાસક્રમો જેવી બાબતોની પણ જાણકારી આપવામાં આવી હતી. આ સેમિનારમાં ધંધુકા તાલુકાની ૭ શાળાના ધોરણ ૧૦ અને ૧૨ ના કુલ ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એન. પ્રજાપતિ, શિક્ષણ નિરીક્ષક કેતનભાઇ વ્યાસ, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો સર્વશ્રી અશરફભાઇ પટેલ, ભાવેશભાઈ પ્રજાપતિ, સચિનભાઈ અને સંજયભાઇ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બી.આર.સી. કો-ઓર્ડિનેટર રઘુવીરસિંહ ચુડાસમા, વિરભદ્રસિંહ ચુડાસમા (ઉપ પ્રમુખ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ), વિનોદભાઈ લાખાણી (એસ.વી.એસ. કન્વિનર), સ્નેહલભાઈ વૈદ્ય અને વિમલમાતા સ્કૂલના ટ્રસ્ટી ફાધર અમલરાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ