ધરમપુરની માલનપાડા આઈટીઆઈની ઉમદા તાલીમ, ભેંસધરાના તાલીમાર્થીએ સાયન્સ સેન્ટરમાં પેન્ટોગ્રાફ વિના દોડતી ઈલેકટ્રીક ટ્રેનનું મોડલ બનાવ્યુ
વલસાડ, 31 ડિસેમ્બર (હિ.સ.) : આજના ઝડપી બદલાતા યુગમાં શિક્ષણ માત્ર ડિગ્રી સુધી સીમિત ન રહીને કૌશલ્ય આધારિત બનતું જઈ રહ્યું છે. આવા સમયમાં આઇટીઆઈ (Industrial Training Institute) યુવાઓ માટે રોજગાર મેળવવાનો મજબૂત આધાર બને છે. આઇટીઆઈનો મુખ્ય હેતુ વિદ્
Valsad


વલસાડ, 31 ડિસેમ્બર (હિ.સ.) : આજના ઝડપી બદલાતા યુગમાં શિક્ષણ માત્ર ડિગ્રી સુધી સીમિત ન રહીને કૌશલ્ય આધારિત બનતું જઈ રહ્યું છે. આવા સમયમાં આઇટીઆઈ (Industrial Training Institute) યુવાઓ માટે રોજગાર મેળવવાનો મજબૂત આધાર બને છે.

આઇટીઆઈનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વ્યવસાયિક તાલીમ આપી તેમને વહેલી તકે સ્વરોજગાર કે નોકરી માટે સજ્જ કરવાનો છે. આજે અનેક યુવાધન આઈટીઆઈ કરી ટૂંકા ગાળામાં આર્થિક રીતે પગભર થઈ રહ્યા છે, જે પૈકી એક છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસધરા ગામના તાલીમાર્થી જયદીપ એસ. પટેલ. જેમણે ધરમપુર માલનપાડા આઈટીઆઈમાં ઈલેક્ટ્રિશીયનની તાલીમ મેળવી હાલ ધરમપુર સાયન્સ સેન્ટરમાં રોજગાર મેળવી રહ્યા છે.

આઇટીઆઈમાં આપવામાં આવતું રોજગારલક્ષી શિક્ષણ સીધું ઉદ્યોગ અને વ્યવસાય સાથે જોડાયેલું હોય છે. ઇલેક્ટ્રિશિયન, ફિટર, વેલ્ડર, મશીનિસ્ટ, ટર્નર, પ્લમ્બર, કમ્પ્યુટર ઓપરેટર, ડ્રાફ્ટસ મેન જેવા એક થી બે વર્ષના ટૂંકા ગાળાના કોર્સ વિદ્યાર્થીઓને તરત નોકરી મેળવવામાં મદદરૂપ થાય છે. જે અંગે ધરમપુરની માલનપાડા આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરનાર ભેંસધરા ગામના તાલીમાર્થી જયદીપ એસ. પટેલ જણાવે છે કે, ધો. 10 બાદ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકુ તે માટે આઈટીઆઈ કરવાનું નક્કી કરી માલનપાડા આઈટીઆઈમાં ઈલેક્ટ્રિશિયનનો કોર્સ કર્યો હતો, ત્યારબાદ ધરમપુર સાયન્સ સેન્ટર ખાતે ઈલેકટ્રોનિક ટ્રેઈનીની ભરતીની જાણ થતા ફોર્મ ભર્યુ હતુ જેના આધારે મારી પસંદગી થતા મહિને રૂા. ૨૨ હજારનું સ્ટાઈપેન્ડ મળે છે. અહીં મને બે વર્ષનો સમય થયો છે. આ દરમિયાન મને વિચાર આવ્યો કે, ટ્રેનની છત ઉપર પેન્ટોગ્રાફ ઉપકરણ લગાવવામાં આવેલુ હોય છે. જે ઉપરથી આવેલી ઓવરહેડ ઈલેક્ટ્રિક લાઈન સાથે સંપર્કમાં રહે છે, જેના દ્વારા ટ્રેનને ચલાવવા માટે જરૂરી વિજળી મળે છે. પેન્ટોગ્રાફ દ્વારા મળેલી વીજળી ટ્રાન્સફોર્મર અને મોટર સુધી પહોંચે છે જેથી ટ્રેન આગળ વધે છે, ઝડપ પકડે છે. ટ્રેન ઝડપથી દોડતી હોવા છતાં પેન્ટોગ્રાફ ઓવરહેડ વાયર સાથે સતત સંપર્ક જાળવી રાખે છે. ઓવરહેડ વાયર હેવી વોલ્ટેજના હોવાથી કરંટ લાગવાની શકયતા રહે છે જેથી મને પેન્ટોગ્રાફ વિનાની ઈલેકટ્રીક ટ્રેન બનાવવાનો વિચાર આવ્યો. જે માટે કમ્પ્યુટર પર સોફટવેરનો ઉપયોગ કરી કોડીંગ બનાવ્યા. ટ્રેનની પટરીમાંથી મોટરને વીજળી મળે તો ઓવરહેડ વાયરની જરૂર ન પડે. જે માટે મે પેન્ટોગ્રાફ વિનાનું ટ્રેનનું મોડલ તૈયાર કર્યુ છે. આ ઈલેકટ્રીક ટ્રેનનો ફાયદો એ છે કે, ટ્રેનની ઉપર વાયર રહેતા નથી. નીચે ટ્રેકમાંથી જ પાવર સપ્લાય થાય છે. જો કોઈ ટ્રેનની ઉપર ચડી જાય તો કરંટ લાગતો નથી. આ સિવાય સેન્સર હોવાથી ટ્રેન કોઈપણ જગ્યાએ અટકી પડે તો તુંરત જાણ થઈ જાય છે. અહીં સાયન્સ સેન્ટરમાં આવતા મુલાકાતીઓ આ મોડલ જોઈને આશ્ચર્ય અનુભવે છે.

ધરમપુર સાયન્સ સેન્ટરમાં ટ્રેઈની તરીકે જોબ કરતા તાલીમાર્થી જયદીપ પટેલ વધુમાં જણાવે છે કે, ઘરે ફ્રી સમય મળે ત્યારે હું ઈલેકટ્રીક ગેજેટ રીપેર કરીને પણ આવક મેળવુ છું. આ સિવાય ઈલેકટ્રીક સાધનોમાં ખાસ કરીને એમ્પ્લીફાયરમાં નીત નવા સંશોધન કરી રહ્યો છું. આ તમામ સ્કીલ મને માલનપાડા આઈટીઆઈમાં શીખવા મળી હતી જે બદલ હું આઈટીઆઈના આચાર્ય અને ઈન્સ્ટ્રકટરોનો આભાર માનુ છું આ સાથે જ ધરમપુર સાયન્સ સેન્ટરનો પણ આભાર માનુ છુ કે, તેમણે રીયલ લાઈફ એક્સિપરીમેન્ટ મેળવવાની તક આપી જેથી હું મારા નોલેજમાં વધુ ઉમેરો કરી શકું. આઈટીઆઈ અને સાયન્સ સેન્ટર મારા જેવા અનેક તાલીમાર્થીઓને આર્થિક રીતે પગભર થવા માટેની પ્રેરણા પુરી પાડે છે.

આમ, ગુજરાત સરકારની આઈટીઆઈ સંસ્થા આર્થિક રીતે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારના યુવક-યુવતીઓ માટે ઉન્નતિના દ્વાર ખોલવાની પ્રેરણા પૂરી પાડી છે. આજે સમ્રગ ભારતમાં સ્કિલ ઇન્ડિયા મિશન અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કિમ અંતર્ગત નવયુવાઓ પોતાના કૌશલ્યને વિકસાવી સ્ટાર્ટઅપનો પ્રારંભ કરી તેને આગળ વધારી રહ્યા છે અને આત્મનિર્ભર બની રહ્યા છે તે સાથે તે રાજયનું પણ નામ રોશન કરી ઉદ્યોગ સાહસિકો માટે નવી દિશા કંડારી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande