
સુરત, 31 ડિસેમ્બર (હિ.સ.) : ચોક બજાર વિસ્તારમાં આવેલ રહેમતનગર ખાતે એબીસી ન્યુઝ ચાર રસ્તા પાસે ગતરોજ મોડી રાત્રે એક યુવકે અન્ય યુવક પાસેથી મોબાઇલ ખેંચવાની કોશિશ કરી હતી. પરંતુ યુવકે મોબાઈલ નહીં આપી ઝાપટ મારી દીધી હતી. જેથી બંને વચ્ચે ઝપાઝપી થતા યુવકે મોબાઈલ ઝૂટવવાની કોશિશ કરનારને લાકડાના ફટકા વડે માર મારતા તેને ગંભીર ઈજા થતાં ઘટના મોત નીપજ્યું હતું. બનાવને પગલે ચોક બજાર પોલીસે મોડી રાત્રે જ હત્યા કરનાર યુવકને ઝડપી પાડી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે ચોક બજાર વિસ્તારમાં આવેલ રહેમતનગર એબીસી ન્યુઝ ચાર રસ્તા પાસે ગતરો જે એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે મૃતક યુવક વરિયાળી બજાર ખાતે આવેલ હોડી બંગલા પાસે બાવા મસ્જિદ સામે મુસીબતપુરા માં રહેતો સાહિલ રફીક શાહ હતો. પોલીસે મોડી રાત્રે તપાસ હાથ ધરતા તેની હત્યા કરનાર ગણેશને પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગણેશ રહેમતનગર પાસે જ એક ખાતામાં મજૂરી કામ કરી પરિવારનો ગુજરાન ચલાવે છે. સાહિલ પણ એમ્બ્રોડરી ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગતરોજ મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં ગણેશ ખાતામાંથી બહાર નીકળ્યો હતો આ સમયે સાહિલ શાહે તેનો પીછો કરી તેને પકડી તેમની પાસેથી મોબાઈલ લુંટવાની કોશિશ કરી હતી પરંતુ ગણેશ મોબાઈલ નહીં આપતા સાહિલને લાફો મારી દીધો હતો. જેથી સાહિલે પણ વળતો હુમલો કરી ગણેશને માર માર્યો હતો. જેના જવાબમાં ગણેશે બાજુમાં પડેલા લાકડાનો ફટકો ઉપાડી સાહિલને શરીર ઉપર તથા માથામાં ઉપરાછાપરી માર મારતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. બનાવને પગલે મોડી રાત્રે પોલીસે ગણેશને ઝડપી પાડી તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે