ભરૂચ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) અંકલેશ્વર શહેરમાં વિચિત્ર ઘટના બની હતી. નાઇટ ડ્યુટી પરથી સવારે ઘરે જઇ રહેલાં પીએસઆઇએ કોઇ કારણસર સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં તેમની કારે રોડની સાઇડ પર ચૂલા પર પાણી ગરમ કરતી એક મહિલાને અકસ્માત સર્જ્યો હતો. જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું.અકસ્માતની ઘટનામાં પીએસઆઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
અંક્લેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પીએસઆઇ એમ જી રાજપૂત ગત રાત્રીના નાઈટ ડ્યુટી પર હતા. વહેલી સવારે 5 વાગ્યે તેઓ નાઈટ ડ્યુટી પૂર્ણ કરી ઘરે આરામ કરવા પોતાની સ્વીફ્ટ કાર લઇ જવા નીકળ્યા હતા તે દરમિયાન ભાંગવાડ નજીક પહોંચતા જ અચાનક સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ પર મહિલા ચૂલા પર પાણી ગરમ કરી રહી હતી તેની તરફ ધસી આવી હતી અને કાર ચૂલો તોડી મહિલાને પાણીના તપેલા સાથે ઢસડી નજીક એક્ટીવા જોડે ભટકાઇ હતી જ્યાં મહિલાના શરીરે ગંભીર ઇજા પહોંચી હતી.
પી.એસ.આઈ એમ.જી. રાજપૂત ત્વરિત બહાર આવી 108 ને જાણ કરી તેમજ પોલીસ મથકે જાણ કરી હતી. જો કે અકસ્માતને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો અને પી.એસ.આઈ. ને ઘેરી વળી ઉગ્ર બોલાચાલી કરી હતી. દરમિયાન 108 માં ઈજાગ્રસ્ત પ્રીતિબેન કિરણ વસાવાને ગંભીર હાલતમાં સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરી હતી. મૃતકના મહિલાના પરિજનોએ પી.એસ.આઈ. એમ. જી. રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધાવતા ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ