સુરત, 25 ફેબ્રુઆરી (હિ.સ.) જશહેરમાં દિન પ્રતિદિન આર.ટી.આઈ કરી લોકોને બ્લેકમેઇલ કરી પૈસા પડાવતા તોડબાજો સામે ગુનાઓ દાખલ થઈ રહ્યા છે ત્યારે ગતરોજ ઉધના પોલીસ મથકમાં પણ વધુ એક તોડબાજ સામે ગુનો નોંધાયો છે. જેમાં આ વ્યક્તિએ એક બિલ્ડર પાસેથી રૂપિયા બે લાખની માંગણી કરી ફાયરિંગ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી પોલીસે યુવક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ યુપીના વતની અને હાલમાં સુરતના ડીંડોલી વિસ્તારમાં નવાગામ ખાતે આવેલ હરિહર નગર સોસાયટીમાં રહેતા 60 વર્ષીય જ્ઞાનપ્રકાશ જયંતિપ્રસાદ શ્રીવાસ્તવ એ ગતરોજ ઉધના પોલીસ મથકમાં સમીર પઠાણ નામના ઈસમ સામે બળજબરીથી પૈસાની માંગણી કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ઉધના વિસ્તારમાં ગંજીવાલા સાડીની પાછળ રોડ નંબર ચાર પર પ્લોટ નંબર 1 / 11 માં તેઓએ બાંધકામનો કોન્ટ્રાક્ટ લીધો છે. તેઓએ હાલમાં પેટા કોન્ટ્રાક્ટ તરીકે જય હિન્દ ભાઈ ને કામ સોપ્યું છે. જગ્યા પર બાંધકામ ચાલુ હતું ત્યારે સમીર પઠાણ નામનો ઈસમ જીજે.5.એફવાય.4520 નંબરની બાઈક લઈને આ જગ્યા પર પહોંચી ગયો હતો અને પેટા કોન્ટ્રાક્ટર જય હિંદ ભાઈ ને કામ બંધ રખ નહિતર સબકો ભૂંદ દૂંગા તેવી ધમકી આપી હતી.
જેથી જ્ઞાનપ્રકાશભાઈએ તેમની પાસેથી મોબાઇલ નંબર મેળવી ફોન કરતા સમીર પઠાણ નામના વ્યક્તિએ જો તમારે આ જગ્યા પર બાંધકામ ચાલુ રાખવું હોય તો બે લાખ રૂપિયા આપવા પડશે નહીંતર હું ફાયરિંગ કરી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર જ્ઞાનપ્રકાશભાઈ ની ફરિયાદને આધારે પોલીસે સમીર પઠાણ નામના સામે ગુનો દાખલ(24 ફેબ્રુઆરી 2025) કરી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે