ફાયર વિભાગની કુલિંગની કામગીરી બાદ પણ લાગેલી ભીષણ આગમાં આખી માર્કેટ ચપેટમાં
સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.) શહેરનાં રિંગરોડ ખાતે આવેલ શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આજે વહેલી સવારે પુનઃ આગ ફાટી નીકળવાની ઘટનાને પગલે સુરત શહેરનું ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. અલબત્ત, ગણતરીનાં સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં સમગ્ર ટેક્
Shiv shakti market


સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.) શહેરનાં રિંગરોડ ખાતે આવેલ શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આજે વહેલી સવારે પુનઃ આગ ફાટી નીકળવાની ઘટનાને પગલે સુરત શહેરનું ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. અલબત્ત, ગણતરીનાં સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં સમગ્ર ટેક્સટાઈલ માર્કેટમાં ચકચાર મચી જવા પામી હતી. ગંભીર હોનારતને ધ્યાને રાખીને સુરત ફાયર વિભાગ દ્વારા પણ આગ પર ત્વરિત કાબુ મેળવવા માટે ભરચક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે આ જ માર્કેટમાં બપોરે એ.સી.માં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં એક કામદારનું ગુંગળામણને કારણે મોત નિપજ્યું હતું અને આજે સવારે વધુ એક વખત આગ લાગતાં આખા શહેરનો ફાયર વિભાગનો કાફલો હોનારત સ્થળે ઘસી ગયો હતો.

ટેક્સટાઈલ માર્કેટોથી ઉભરાતાં અને 24 કલાક ટ્રાફિકથી ધમધમતાં રિંગરોડ વિસ્તારમાં આવેલ શિવશક્તિ માર્કેટમાં ગત રોજ બપોરના સુમારે એર કન્ડીશન્ડમાં શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી. ઘટના અંગેની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો હોનારત સ્થળે ઘસી ગયો હતો અને આનન - ફાનનમાં આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જો કે, કાપડ અને રો-મટિરિયલ્સના જથ્થાને કારણે આગે ગણતરીનાં સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જેને કારણે માર્કેટમાં કામ કરી રહેલા કામદારો સહિતના સ્ટાફનાં રેસક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બેઝમેન્ટમાં લાગેલી આગને કારણે બહાર નીકળવામાં નિષ્ફળ રહેલ એક શ્રમજીવીનું ગુંગળામણને કારણે મોત નિપજ્યું હતું. બીજી તરફ ફાયર વિભાગ દ્વારા મજુરા, માન દરવાજા, ડુંભાલ, ઘાંચી શેરી, નવસારી બજાર સહિતના ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો અને પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા સાંપડી હતી. આગ પર કાબુ મેળવાયા બાદ ફાયર વિભાગ દ્વારા માર્કેટનાં બેઝમેન્ટમાં કુલિંગની કામગીરી હાથ ધરી હતી.

જો કે, આજે સવારે પુનઃ શિવશક્તિ માર્કેટમાં જ આગ ફાટી નીકળવાની ઘટનાને પગલે ફાયર વિભાગને સવારે 8.19 કલાકે કોલ મળ્યો હતો. બીજા દિવસે પણ આગ લાગવાની ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા 20થી વધુ ફાયર ફાઈટરો સહિતનો કાફલો ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યો હતો. જો કે, ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ફાયર વિભાગ દ્વારા તકેદારીનાં ભાગરૂપે આસપાસની માર્કેટોની સાથે - સાથે વાહન વ્યવહાર માટે રસ્તો પણ બંધ કરાવવામાં આવ્યો હતો.

શિવશક્તિ માર્કેટમાં સતત બીજા દિવસે ભીષણ આગને કારણે ફાયર વિભાગના લાશ્કરો દ્વારા વહેલી સવારથી જ આગ પર કાબુ મેળવવાનાં ભરચક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બીજી તરફ આગ પર કાબુ મેળવવામાં બપોર સુધી ફાયર વિભાગનાં લાશ્કરો ઝઝુમી રહ્યા હતા ત્યારે ખુદ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિતના ઉચ્ચાધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા સમગ્ર ઘટના અંગેનો ચિતાર મેળવીને વહેલી તકે આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગને જરૂરી તાકિદ કરી હતી.

કાપડ અને પેકિંગ મટિરિયલ્સના જથ્થાને કારણે શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર વિભાગ દ્વારા આજે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આખા શહેરમાંથી ફાયર વિભાગનો કાફલો આગ પર કાબુ મેળવવામાં જોતરાઈ ગયો હતો ત્યારે હજીરા ખાતે આવેલા ઔદ્યોગિક એકમો પાસેથી પણ અત્યાધુનિક ફાયર ફાઈટરો સહિતના સ્ટાફની મદદ લેવામાં આવી હતી. હજીરા ખાતે આવેલ આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ, ઓએનજીસી, રિલાયન્સ અને એનટીપીસી સહિત બારડોલી ફાયર વિભાગનો કાફલો પણ આગ પર કાબુ મેળવવામાં જોતરાયો હતો.

રિંગરોડ પર અભિષેક માર્કેટની પાસે આવેલ શિવશક્તિ માર્કેટમાં આવેલી તમામ દુકાનો આગની ચપેટમાં આવી જતાં એક તબક્કે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં વેપારીઓ સહિત સ્થાનિકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર વિભાગ દ્વારા એક સાથે બે મોરચે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને એક તરફ આગ પર કાબુ મેળવવાની સાથે આસપાસની માર્કેટોમાં આગ ન પ્રસરે તેની પણ તકેદારી રાખવામાં આવી હતી. વહીવટી તંત્રે આગના વિકરાળ સ્વરૂપને ધ્યાને રાખીને આસપાસમાં આવેલ અન્ય માર્કેટોમાં કામકાજ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

દુનિયાભરમાં ટેક્સટાઈલ નગરી તરીકે પ્રસ્થાપિત શહેરમાં છાશવારે કાપડ માર્કેટોમાં આગ લાગવાની ઘટના સામાન્ય છે પરંતુ આજે સવારે શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગના વિકરાળ સ્વરૂપને કારણે લોકોમાં એક તબક્કે ભયનો માહોલ સર્જાવા પામ્યો હતો. લાશ્કરો દ્વારા આગ પર કાબુ મેળવવાના અથાગ પ્રયાસો વચ્ચે બેકાબુ બનેલી આગે આખેઆખી માર્કેટને ચપેટમાં લઈ લીધી હતી અને રિંગરોડ સહિત આસપાસના ચાર કિલોમીટર સુધીનાં વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા નજરે ચઢ્યા હતા. જેને પગલે મોટા ભાગના વિસ્તારમાં આગની ઘટનાને લઈને ભારે ચર્ચાનો દૌર શરૂ થયો હતો.

શહેરનાં પુણા - કુંભારિયા રોડ પર આવેલ ઓર્ચિડ ટાવરમાં સને 2014માં મે મહિનાની 29મી તારીખે ભીષણ આગ લાગવાની ઘટના હજી પણ લોકોનાં સ્મૃતિ પટલ પર યથાવત્ છે. ઓર્ચિડ ટાવરમાં સતત ત્રણ દિવસ સુધી આગ લાગવાની ઘટનાને પગલે આખે આખી માર્કેટ સ્વાહા થઈ ગયી હતી. આ ઘટના બાદ સને 2020માં જાન્યુઆરી મહિનામાં 20મી તારીખે સારોલી રોડ પર આવેલ રઘુવીર સેલિયમ ટેક્સટાઈલ માર્કેટમાં પણ વિકરાળ આગે આખે આખી માર્કેટમાં ચપેટમાં લઈ લીધી હતા. આ બંને હોનારત બાદ શિવશક્તિ માર્કેટમાં સતત બીજા દિવસે આગ લાગતાં શહેરીજનોમાં આ બંને ઘટનાઓની યાદ તાજા થઈ હતી.

ગત રોજ શિવશક્તિ માર્કેટના બેઝમેન્ટમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં એકનાં મોત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો અને મોડી સાંજ સુધી કુલિંગની કામગીરી હાથ ધરી હતી. અલબત્ત, આજે સવારે અગમ્ય કારણોસર માર્કેટમાં વધુ એક વખત આગ ફાટી નીકળી હતી. જેને પગલે ગણતરીનાં સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખે આખી માર્કેટ આગની ચપેટમાં આવી ગઈ હતી. માર્કેટમાં આવેલી 500 જેટલી દુકાનોને આ હોનારતને પગલે ભારે નુકસાન પહોંચ્યું હોવાની હાલના તબક્કે ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે જ્યારે માર્કેટમાં કાપડ સહિતના માલ-સામાન મળીને કરોડોનું નુકસાન પહોંચ્યું છે.

શિવશક્તિ માર્કેટમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલા લાશ્કરો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે માર્કેટમાં પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો હતો. આગને વધુ પ્રસરતી અટકાવવા માટે ફાયર વિભાગના લાશ્કરોની એક ટીમ માર્કેટમાં પ્રવેશી હતી. જો કે, ધુમાડા અને ભીષણ ગરમીને કારણે ગુંગળામણ થતાં લાશ્કરોની હાલત ખરાબ થવા પામી હતી. જેને પગલે એક તબક્કે ત્રણ ફાયર ફાઈટરો પાંચમા માળ પર ફસાઈ જતાં અધિકારીઓમાં ઘેરી ચિંતા પ્રસરી જવા પામી હતી. સદનસીબે ફાયર વિભાગના કર્મચારીઓને તાત્કાલિક રેસક્યુ ઓપરેશન હાથ ધરીને ત્રણેય જવાનોની ભારે જહેમત બાદ રેસક્યુમાં સફળતા મળી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ સહિતના તમામ ઉચ્ચાધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, લિંબાયત ઝોનનાં કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા સહિતના અધિકારીઓ - કર્મચારીઓની સાથે સાથે મેયર દક્ષેશ માવાણી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેઓએ હોનારતની ગંભીરતાને ધ્યાને રાખીને પ્રાથમિક ધોરણે આગ પર કાબુ મેળવવા અંગે જણાવાયું હતું અને ફાયર વિભાગની સાથે - સાથે હજીરાના ઔદ્યોગિક એકમોના ફાયર ફાઈટરોની સહાયતા લેવામાં આવી રહી હોવાનો જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande