સોમનાથ 5 ફેબ્રુઆરી (હિ.સ.) મત્સ્યપાલકોની આવક વધારવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જે ઉપક્રમે સાગરપુત્ર ફાઉન્ડેશન વેરાવળ ખાતે જિલ્લા વહીવટી તંત્ર, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા 'કિસાન ક્રેડિટ કાર્ડ' કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પના માધ્યમથી બેન્કિંગ, મત્સ્યોદ્યોગ સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ અને તજજ્ઞો દ્વારા સાગરખેડૂઓને આંતરદેશીય મત્સ્યપાલન, જળચર ઉછેર સહિતના લાભો માટે 'કિસાન ક્રેડિટ કાર્ડ' યોજનાના લાભ વિશે અવગત કરાયાં હતાં.
નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે જણાવ્યું હતું કે, માછીમારોના નાના-મોટા પ્રશ્નોનો ત્વરીત ઉકેલ આવે એ દિશામાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં હકારાત્મક અભિગમ રાખી વહીવટી તંત્ર દ્વારા કાર્ય થઈ રહ્યું છે. જે ઉપક્રમે 'કિસાન ક્રેડિટ કેમ્પ'ના માધ્યમથી પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.
આ તકે તેમણે પર્યાપ્ત ધીરાણ થકી માછીમારી સંલગ્ન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સાગરખેડૂઓ આ યોજનાનો મહત્તમ લાભ લે એવી અપીલ પણ કરી હતી.
આ કેમ્પમાં અલગ-અલગ બેન્કના વિવિધ કાઉન્ટરના માધ્યમથી સાગરખેડૂઓને બેંકના માધ્યમથી મળતી સગવડો, બેન્ક લોન, જરૂરી વીમો, સહાય માટે અગત્યના દસ્તાવેજો, લોન સુવિધાના હેતુ અને પ્રકાર, કે.વાય.સી. પ્રક્રિયા સહિતની વિગતો આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કિસાન ક્રેડિટ કાર્ડનો ઉદ્દેશ મત્સ્યપાલકો/માછીમારોને તેમની કાર્યકારી મૂડી જરૂરિયાતો માટે બેન્કિંગ સિસ્ટમ તરફથી સમયસર અને પર્યાપ્ત ધીરાણ પૂરી પાડવાનો છે. માછીમારી પ્રવૃત્તિ કરતા અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે લાયસન્સ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
આ કેમ્પમાં પુરવઠા અધિકારી પારસ વાંદા, મત્સ્યોદ્યોગ અધિકારી વી.કે.ગોહિલ, લીડ બેન્ક મેનેજર ભરત વાણિયા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, કેનરા બેંક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન બેન્કના પ્રતિનીધિઓ અને કર્મચારીઓ, ખારવા સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સાગરખેડૂઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ