નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત
શાહે કહ્યું કે,” નરેન્દ્ર મોદી સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદને
સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે.” તેમણે કહ્યું કે,” મોદી સરકારના સતત
અને સંકલિત પ્રયાસોને કારણે, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનું ઇકોસિસ્ટમ ઘણું નબળું પડી
ગયું છે.”
અમિત શાહે આજે નવી દિલ્હીમાં, જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા
પરિસ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગૃહ
મંત્રાલય અને જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં જમ્મુ અને
કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, ગુપ્તચર બ્યુરોના ડિરેક્ટર, મુખ્ય સચિવ અને જમ્મુ અને કાશ્મીરના પોલીસ
મહાનિર્દેશકનો સમાવેશ થાય છે.
એક દિવસ પહેલા, ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિ
પર એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર
દ્વિવેદી અને કેન્દ્રીય ગૃહ સચિવ સહિત, અનેક વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
ગૃહમંત્રીએ તમામ સુરક્ષા એજન્સીઓને, ઘૂસણખોરીને સંપૂર્ણપણે
રોકવાના ઉદ્દેશ્ય સાથે આતંકવાદ સામેની લડાઈ વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપ્યો.
તેમણે કહ્યું કે,” બધી સુરક્ષા એજન્સીઓએ ઘૂસણખોરી અને આતંકવાદ સામે ક્રૂરતાથી કડક
કાર્યવાહી કરવી જોઈએ. આપણો ઉદ્દેશ આતંકવાદીઓના અસ્તિત્વને જડમૂળથી ઉખેડી નાખવાનો
હોવો જોઈએ.”
અમિત શાહે કહ્યું કે,” નાર્કો નેટવર્ક ઘૂસણખોરી અને
આતંકવાદીઓને તેમની પ્રવૃત્તિઓમાં મદદ કરી રહ્યું છે.” તેમણે કહ્યું કે,” માદક
દ્રવ્યોના વેપારમાંથી મેળવેલા નાણાંનો ઉપયોગ કરીને, આતંકવાદી ભંડોળ સામે તાત્કાલિક
કાર્યવાહી કરવાની જરૂર છે.” અમિત શાહે એજન્સીઓને નવા ફોજદારી કાયદાઓને ધ્યાનમાં
રાખીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ની જગ્યાઓ પર નવી નિમણૂકો કરવાનો નિર્દેશ આપ્યો.
તેમણે આતંકવાદ મુક્ત જમ્મુ અને કાશ્મીરના લક્ષ્યને પ્રાપ્ત
કરવા માટે, મોદી સરકારની આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ પર ભાર મૂક્યો.
તેમણે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાબૂદ કરવા માટે તમામ સુરક્ષા એજન્સીઓને
સતર્ક રહેવા અને સંકલનમાં કામ કરવાનું ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો. ગૃહમંત્રીએ,
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિના તમામ પરિમાણોમાં નોંધપાત્ર સુધારો કરવા
બદલ સુરક્ષા એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરી.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ