નવી દિલ્હી, 11 માર્ચ (હિ.સ.) શાહરૂખ તેના મુંબઈ બાંદ્રા સ્થિત બંગલા 'મન્નત'માં કેટલાક ફેરફાર કરવા માંગતો હતો, પરંતુ તે પહેલાં તેને કાનૂની અડચણનો સામનો કરવો પડ્યો છે. મુંબઈના એક સામાજિક કાર્યકર્તા સંતોષ દૌંડકરે, શાહરૂખ પર કેટલાક આરોપો લગાવ્યા છે, જેના કારણે 'મન્નત' તેનું નવીનીકરણ શરૂ થાય તે પહેલાં જ વિવાદમાં ફસાઈ ગયું છે. આ મામલાની સુનાવણી 23 એપ્રિલે મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (એમસીઝેડએમએ) સમક્ષ થશે.
અહેવાલો અનુસાર સામાજિક કાર્યકર્તા સંતોષ દૌંડકરે, અભિનેતા શાહરૂખ ખાન વિરુદ્ધ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) માં અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેમણે શાહરૂખ અને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી પર કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની પરવાનગી વિના 'મન્નત'માં ફેરફાર કરવાનો આરોપ લગાવ્યો છે. સંતોષનો દાવો છે કે, બંગલાના નવીનીકરણ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને શાહરુખે તેના માટે જરૂરી પરવાનગી લીધી ન હતી.
બાંદ્રાના પોશ વિસ્તારમાં સ્થિત શાહરૂખ ખાનની આલીશાન હવેલી 'મન્નત' કોઈ પર્યટક આકર્ષણથી ઓછી નથી. ચાહકો ઘણીવાર અહીં ફોટોગ્રાફી કરવા આવે છે અને આ પ્રતિષ્ઠિત બંગલાની એક ઝલક મેળવવા માટે કલાકો સુધી રાહ જુએ છે. જોકે, શાહરૂખ અને ગૌરી ખાને તેમના સપનાના ઘરને વધુ ભવ્ય બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ તે પહેલાં જ, તે કાનૂની વિવાદોમાં ફસાઈ ગયું છે. શાહરૂખની લોકપ્રિયતા અને સ્ટારડમનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 'મન્નત'નો ખર્ચ લગભગ 200 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
વાસ્તવમાં, શાહરૂખ ખાનનો ભવ્ય બંગલો 'મન્નત' ગ્રેડ III હેરિટેજ સ્ટ્રક્ચર્સની યાદીમાં સામેલ છે. આવી સ્થિતિમાં, તેમાં કોઈપણ ફેરફાર કરવા માટે યોગ્ય પરવાનગી લેવી ફરજિયાત છે. એવો આરોપ છે કે શાહરુખે જાહેર આવાસ માટે બનાવાયેલા 12 વન બીએચકે ફ્લેટને એક મોટા ઘરમાં રૂપાંતરિત કર્યા છે. આ કેસમાં, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) એ સામાજિક કાર્યકર્તા સંતોષ દૌંડકરને તેમના દાવાઓના સમર્થનમાં પુરાવા રજૂ કરવા જણાવ્યું છે.
ન્યાયિક સભ્ય દિનેશ કુમાર સિંહ અને નિષ્ણાત સભ્ય વિજય કુલકર્ણીએ જણાવ્યું હતું કે, જો શાહરૂખ ખાન અથવા મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (એમસીઝેડએમએ) ના કોઈપણ નિયમોનું ઉલ્લંઘન થયું હોય, તો સંતોષ દૌંડકરે 4 અઠવાડિયાની અંદર પુરાવા રજૂ કરવા પડશે. જો તે આમ કરવામાં નિષ્ફળ જાય, તો અપીલ રદ થવાને પાત્ર છે. આ કેસની આગામી સુનાવણી હવે 23 એપ્રિલે થશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ