રાજકોટ/અમદાવાદ,13 માર્ચ (હિ.સ.) રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ગરમીએ તાંડવ મચાવ્યું છે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. હવામાન વિભાગે આજે અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. બુધવારે રાજ્યમાં 9 જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 42.1 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગના મતે આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.
ઉનાળામાં અસહ્ય ગરમી (હીટ વેવ)ને કારણે આરોગ્ય પર થતી વિપરિત થઇ શકે છે.કોઈપણ વ્યક્તિ ગરમીના તાણ અને ગરમી સંબંધિત બીમારીથી પીડાઈ શકે છે. પરંતુ શિશુઓ અને નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, બહાર કામ કરતા લોકો, માનસિક અને શારીરિક રીતે બીમાર ખાસ કરીને હૃદય રોગ અથવા હાઈ બ્લડપ્રેશર ધરાવતા વ્યક્તિઓ માટે હીટ વેવ વધુ જોખમકારક છે. તેમજ ઠંડા વાતાવરણમાંથી ગરમવાતાવરણમાં આવતા વ્યક્તિઓએ તેમના શરીરને ગરમીને અનુરૂપ થવા માટે એક અઠવાડિયાનો સમય આપવો જોઈએ અને પુષ્કળ પાણી પીવું જોઈએ. ગરમ વાતાવરણમાં એક્સપોઝર,શારીરિક પ્રવૃત્તિમાં ક્રમશ: વધારો
કરીને અનુકૂલન પ્રાપ્ત કરવું જોઇએ.
તરસ ન હોય તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવું, મુસાફરી કરતી વખતે પીવાનું પાણી સાથે રાખવું જોઈએ.ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન (O.R.S.) અને લીંબુ પાણી, છાશ,લસ્સી જેવા ઘરે બનાવેલાપીણાઓનું સેવન કરવું જોઈએ. જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય જેમ કે તરબૂચ, ટેટી, નારંગી, દ્રાક્ષ, અનાનસ, કાકડી, લેટીસ અથવા અન્ય સ્થાનિક રીતે ઉપલબ્ધ ફળો અને શાકભાજી ખાવા જોઈએ.મહત્તમ શરીર ઢંકાય તેવા પાતળા, ઢીલા, વજનમાં હલકાં, સુતરાઉ વસ્ત્રો ખાસ કરીને હળવા રંગના કપડાં પહેરવા જોઈએ. માથું ઢાંકેલું રાખવું જોઈએ. સૂર્ય પ્રકાશના સીધા સંપર્ક દરમિયાન છત્રી, ટોપી, ટુવાલનો ઉપયોગ કરવો જોઈએ. તડકામાં બહાર જતી વખતે પગમાં ચંપલ અથવા બુટ પહેરવા જોઈએ.
હીટવેવ દરમ્યાન એકલા રહેતા વૃદ્ધ અથવા બીમાર લોકોની વિશેષ દેખરેખ રાખવી જોઈએ અને તેમના સ્વાસ્થ્યનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરવું જોઈએ. ઘરને ઠંડુ રાખવું જોઈએ, પડદા, શટર અથવા સન શેડનો ઉપયોગ કરીને રાત્રે બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. દિવસ દરમિયાન નીચેના માળ પર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. શરીરને ઠંડુ કરવા માટે પંખા, ભીના કપડાનો ઉપયોગ કરવો જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ