- વિદ્યાર્થીઓનું કરાયું થેલેસેમિયા પરીક્ષણ તથા કાઉન્સેલિંગ
રાજકોટ/અમદાવાદ,13 માર્ચ (હિ.સ.) સરકારી પોલીટેકનીક કોલેજ, રાજકોટ ખાતે લાઈફ થેલેસેમિયા પ્રીવેન્શન સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં સંસ્થાના વિવિધ વિભાગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું થેલેસેમિયા પરીક્ષણ અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
કેમ્પ સાથે લાઈફ થેલેસેમિયા પ્રીવેન્શન સેન્ટરના ડો.હિના કાશીયાની દ્વારા થેલેસેમિયાને લગતા વિવિધ પ્રશ્નો અને તેના નિરાકરણ તથા થેલેસેમિયા નિયમન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગ કેમ્પમાં કેમિકલ ખાતાના વડા ડો. એ.ડી.સ્વામિનારાયણ, વિદ્યુત ખાતાના લેક્ચરર પાર્થ રાવલ સહિત અન્ય શૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે આચાર્ય ડોક્ટર એ. એસ.પંડ્યાએ લાઈફ થેલેસેમિયા પ્રીવેન્શન સેન્ટર તથા સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ