વોશિંગ્ટન, નવી દિલ્હી, 27 માર્ચ (હિ.સ.) ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસ રાજ્યોને આપવામાં આવતા લગભગ 12 બિલિયન ડોલરના આરોગ્ય સંભાળ ભંડોળને રદ કર્યું. આ ફેડરલ ભંડોળ ચેપી રોગો, માનસિક સ્વાસ્થ્ય સેવાઓ, વ્યસન સારવાર અને અન્ય આવશ્યક સેવાઓ પર ખર્ચવામાં આવી રહ્યું હતું. વહીવટીતંત્રે કોવીડ-19 રોગચાળા દરમિયાન સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સના રાજ્યોમાં આ નાણાં ફાળવ્યા હતા.
ધ ન્યૂ-યોર્ક ટાઇમ્સ અને સીએનએનના સમાચાર અહેવાલોમાં આની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. બુધવારે ટ્રમ્પ વહીવટીતંત્રના આ પગલાની પુષ્ટિ ઘણા ફેડરલ અને રાજ્ય અધિકારીઓએ કરી હતી. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ કહે છે કે, કોવિડ રોગચાળો હવે સમાપ્ત થઈ ગયો છે. આ કરદાતાઓના પૈસા હવે બગાડવામાં આવશે નહીં. વહીવટીતંત્રને આશા છે કે, આ પૈસા લગભગ 30 દિવસમાં પાછા મળી જશે.
નેશનલ એસોસિએશન ઓફ કાઉન્ટી એન્ડ સિટી હેલ્થ ઓફિસર્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લોરી ટ્રેમેલ ફ્રીમેને જણાવ્યું હતું કે, આ અઠવાડિયે સ્થાનિક આરોગ્ય વિભાગો અને સંગઠનોને ભંડોળ સમાપ્તિ અંગે નોટિસ મોકલવામાં આવી છે. મિનેસોટા આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યને 226 મિલિયન ડોલરનું અનુદાન મળ્યું છે.
બિનનફાકારક સંસ્થા ડે બ્યુમોન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ અને સીઈઓ બ્રાયન કૈસ્ટ્રુચીએ આ પગલાની આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે, આ જાહેર સ્વાસ્થ્ય માટે વિનાશક ફટકો છે. ટેક્સાસમાં ડલાસ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસના ડિરેક્ટર ડૉ. ફિલિપ હુઆંગે જણાવ્યું હતું કે, આ પગલાથી રોગચાળા, સંપર્ક ટ્રેસિંગ અને પ્રયોગશાળા પરીક્ષણ પર અસર પડશે. સ્થાનિક સમુદાય કેન્દ્રોમાં ડાયાબિટીસ શિક્ષણ કાર્યક્રમો જેવા પ્રયાસોને પણ અસર પડશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ