ગાઝા પટ્ટી, નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ.). મધ્ય ગાઝાના એક વ્યસ્ત બજારમાં ઇઝરાયલી સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા નવા હુમલામાં, સાત પેલેસ્ટિનિયનોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં યુદ્ધગ્રસ્ત પ્રદેશમાં થયેલા હુમલાઓમાં 40 થી વધુ લોકો માર્યા ગયા છે. સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમે ચેતવણી આપી છે કે, ગાઝામાં હજારો પેલેસ્ટિનિયનો ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટેની યુએન એજન્સી (યુએનઆરડબ્લ્યુએ) કહે છે કે, ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી કોઈ સહાય એન્ક્લેવ સુધી પહોંચી નથી.
આ માહિતી અલ જઝીરાના સમાચારમાં આપવામાં આવી છે. સમાચાર અનુસાર, ગાઝાના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, ગાઝા પર ઇઝરાયલના યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 50,208 પેલેસ્ટિનિયનોના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને 113,910 ઘાયલ થયા છે. ગાઝાના રાજ્ય મીડિયા કાર્યાલયે મૃત્યુઆંક 61,700 થી વધુ દર્શાવ્યો છે. કાટમાળ નીચે ગુમ થયેલા હજારો પેલેસ્ટિનિયનોના મોતની આશંકા છે. 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસના નેતૃત્વ હેઠળના હુમલાઓમાં ઇઝરાયલમાં ઓછામાં ઓછા 1,139 લોકો માર્યા ગયા હતા અને 200 થી વધુ લોકોને કેદી બનાવવામાં આવ્યા હતા. ત્યારથી આ યુદ્ધ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ