સુરત , 31 માર્ચ (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સુરત વિભાગના શિવાજી ભાગ દ્વારા હિન્દુઓના નવા વર્ષ અને સંઘ શતાબ્દી વર્ષ નિમેતે સંઘ શતાબ્દી શાખા કુંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પર્વતપાટીયા વિસ્તારના 2524 સ્વયંસેવકોએ મરુંધર મેદાનમાં સવારે સાત વાગ્યે 119 શાખાઓ લગાવી. જેમાં વિવિધ શારીરિક તેમજ બૌદ્ધિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંતના સહકાર્યવાહ ડો. અખિલેશ પાંડે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે, 1925માં ડોક્ટર કેશવરાવ બલીરામ હેડગેવાર દ્વારા શરૂ કરાયેલી એક શાખા પદ્ધતિ વર્તમાનમાં સમગ્ર ભારતમાં વટ વૃક્ષ સમાન થઈ ગઈ છે. હિન્દુ નવા વર્ષ નિમિતે ડૉ. અખિલેશજી એ સ્વયંસેવક ને સ્વ આધારિત રહેવા આહવાન કર્યું હતું. જેમાં સ્વભાષા, ભૂષા, સંસ્કૃતિ, સ્વદેશી ઉપર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું કે સંઘ 100માં વર્ષમાં પ્રવેશના અવસરે સમાજને સાથે લઈ પંચ પરિવર્તન ઉપર કાર્ય કરવાનું છે. જેમાં સ્વદેશી (સ્વ કા બોધ), પર્યાવરણ, નાગરિક કર્તવ્ય, કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા વિષય પર કરવાના કાર્યની જાણકારી આપી હતી.
આજથી શરૂ થતું હિંદુ નવવર્ષ એટલે કે વર્ષ પ્રતિપદાના દિવસે તેમણે સ્વયંસેવકોને સમાજની સજ્જન શક્તિને સાથે લઈને કાર્ય કરવા અંગે આહ્વાન કર્યું. આ ઉપરાંત દરેક ભારતીયએ પોતાના સ્વ એટલે કે ભવ્ય ભૂતકાળને ધ્યાનમાં રાખી તે અંગે સતત જાગૃત રહેવાની વાત કરી હતી. દરેક સમાજની સાથે લઈને જાતી, જ્ઞાતિ કે રંગ ભેદભાવથી ઉપર ઉઠી સમાજમાં સમરસતા લાવવા અને તેની શરૂઆત પોતાના કુટુંબના પ્રબોધનથી કરવા અંગે પણ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ સહિત કુલ 3000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે