ડીસા/અમદાવાદ,01 એપ્રિલ (હિ.સ.) બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ફટાકડાના ગોડાઉનમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 18 લોકોના મોત થયા છે.મૃતકોમાં ચારથી પાંચ કિશોરનો પણ સમાવેશ થાય છે. ઘટનાને પગલે ફેક્ટરી-માલિક ફરાર થઇ ગયો છે અને મજૂરોની ઓળખ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મૃતકોને 4 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. જો કે 4 લાખની સહાય સામે મૃતકોના પરિવારજનો નારાજ છે અને કહી રહ્યા છે કે, 4 લાખ ભેગા કરી અમે ગરીબ માણસો સરકારને આપી દઇએ, સરકાર અમારો 18 વર્ષનો છોકરો લાવી આપે.
જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે આસપાસના વિસ્તારમાં પણ તેનો પ્રભાવ જોવા મળ્યો. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે અને જણાવ્યું કે, “દોષિતોને સરકાર છોડશે નહીં.” મુખ્યમંત્રીએ તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવા સૂચના આપી છે અને ઉદ્યોગ મંત્રી પોતે ઘટનાસ્થળે જઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકના પરિવાર અને ઇજાગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે.
ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને માહિતી આપી છે કે, ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે. આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. ઈજાગ્રસ્તોને ઝડપથી યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવાની સૂચના તંત્રને આપી છે. રાજ્ય સરકાર મૃતકોના પરિજનને રૂપિયા ચાર લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000 ની સહાય કરશે. ઈશ્વર મૃતક શ્રમિકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તોને સત્વરે સાજા કરે તેવી પ્રાર્થના કરું છું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ