પાટણ, 1 એપ્રિલ (હિ.સ.) પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુંવારદ ગામના મહાદેવ જાદવે 2015માં રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી હતી અને આજે તે આ ક્ષેત્રમાં પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. તેમના 'જય ગોગા પ્રાકૃતિક ખેતી મોડલ ફાર્મ' પર 30 વીઘામાં વિવિધ પાકો જેવા કે એરંડા, દેશી ચણા, જામફળ, ખારેક, લસણ અને ડુંગળીનું વાવેતર થાય છે. 110 ખારેકના છોડમાંથી તેઓ વાર્ષિક 5 લાખ રૂપિયાની આવક મેળવે છે, અને તેમની ખારેક હવે લંડન સુધી નિકાસ થવાની છે.
શરૂઆતમાં, રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતીમાં કઠિન પરિસ્થિતિ આવી હતી, પરંતુ મહાદેવએ હિંમત ન હારી. આજે તેમણે 5 હજાર રૂપિયામાં એક જીવામૃત પ્લાન્ટ સ્થાપી જમીનની ફળદ્રુપતા વધારી છે. આ ઉપરાંત, 82 જામફળના છોડમાંથી 2 લાખ રૂપિયાની આવક થાય છે.
મહાદેવ જાદવે પોતાના 10 વર્ષના અનુભવમાં જોઈ છે કે પ્રાકૃતિક ખેતીથી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને એ લોકોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો પ્રોત્સાહન આપે છે, અને માને છે કે આ ખેતી પદ્ધતિ માત્ર જમીન અને પર્યાવરણ માટે જ નહીં, પરંતુ ખેડૂતોની આર્થિક સ્થિતિ માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર