પાટણ, 1 એપ્રિલ (હિ.સ.) પાટણ જિલ્લાના ચંદુમાણા ગામમાં નર્મદા કિનારે આવેલી અલખધુણી પવિત્ર જગ્યા 2001થી ભક્તજનોની આસ્થાનું કેન્દ્ર બની છે. આ સ્થાને દર અઠવાડીયે બીજના રોજ રાત્રે ભજન, સંતવાણી અને પાટ પૂજાના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. આ સ્થળે અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી, અને અહીં ભક્તિ અને આસ્થાનો મજબૂત આધાર છે.
આ તાજેતરમાં, ચૈત્ર સુદ બીજના દિવસે દિવંગત રાધાજી રૂપાજી ઠાકોરના સ્મરણાર્થ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તેમના અનુજ રમેશજી રૂપાજી ઠાકોર (પનારા) યજમાન પદે હતા. કાર્યક્રમમાં પાલનપુર, અમદાવાદ, ચાણસ્મા, અડિયા, કુણઘેર અને ચંદુમાણા ગામના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, અને સંતવાણીના આરાધક સુરેશભાઈ તથા લોકસાહિત્યકાર નવઘણસિંહે મોડી રાત સુધી ભજન ગાવામાં મનોરંજન કરાવ્યું હતું.
અલખધુણીના આ કાર્યક્રમનું સફળ આયોજન મહેન્દ્રભાઈ વ્યાસ અને નિરંજનભાઈ દવેના માર્ગદર્શન હેઠળ ધુણા મંડળના સેવકોએ કર્યું. મહેન્દ્રભાઈએ ભક્તોને સંદેશ આપ્યો કે અલખધુણીનું ભજન કરતા રહો અને જિંદગીના દરેક દિશામાં નીતિપૂર્વક પગલાં ભરીને જીવન સાર્થક બનાવો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર