મહુવા તાલુકાના બારોડીયા ગામની મા-દીકરીએ ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા
સુરત, 1 એપ્રિલ (હિ.સ.) આજે દરેક ક્ષેત્રે મહિલાઓ પુરૂષ સમોવડી બની રહી છે. મહિલાઓ પોતાના ભાઇ, પિતા કે પતિને ખેતીમાં મદદરૂપ બની રહી છે અને મહિલા પ્રગતિશીલ ખેડૂત તરીકે નામના મેળવી રહી છે. પ્રાકૃતિક ખેતીમાં પણ મહિલા ખેડૂતો સફળતા મેળવી રહી છે. સુરત જિલ્
Surat


સુરત, 1 એપ્રિલ (હિ.સ.) આજે દરેક ક્ષેત્રે મહિલાઓ પુરૂષ સમોવડી બની રહી છે. મહિલાઓ પોતાના ભાઇ, પિતા કે પતિને ખેતીમાં મદદરૂપ બની રહી છે અને મહિલા પ્રગતિશીલ ખેડૂત તરીકે નામના મેળવી રહી છે. પ્રાકૃતિક ખેતીમાં પણ મહિલા ખેડૂતો સફળતા મેળવી રહી છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના બારોડીયા ગામના 44 વર્ષીય આદિવાસી મહિલા ખેડૂત સરલા રાઠોડ અને તેમના 65 વર્ષીય માતા નયનાબેન તેનું ઉત્તમ ઉદાહરણ છે. છે, જેઓ છેલ્લા ત્રણ વર્ષથી ગાયના છાણના ખાતર તેમજ ગૌમૂત્ર આધારિત કેળાં અને હળદરની પ્રાકૃતિક ખેતી કરી ઉત્તમ ખેત ઉત્પાદન અને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે.

પ્રાયોજના વહીવટદાર કચેરી-માંડવી દ્વારા ટીસ્યુ કલ્ચર બનાના યોજના હેઠળ સરલાબેનને 2.50 વીઘા જમીનમાં 1500 ટીસ્યુ કલ્ચર બનાના પ્લાન્ટ, 45 બેગ સિટી કમ્પોઝ, 10 બેગ યુરિયા, 8 બેગ પોટાસ અને અન્ય ફૂગનાશક દવાઓનો લાભ મળ્યો છે. 1500 ટીસ્યુ કલ્ચર બનાના પ્લાન્ટ થકી કેળાની ખેતી કરી આત્મનિર્ભર બન્યા છે.

સરલા રાઠોડ જણાવે છે કે, વર્ષ 2013માં પિતાના અવસાન બાદ માતા સાથે ખેતીના વ્યવસાયમાં રસ લેવાની શરૂઆત કરી ધીરે ધીરે ખેતીમાં રસ પડવા લાગ્યો. શિક્ષિકાની નોકરી છોડી ખેતી તરફ આગળ વધવાની શરૂઆત કરી. એવામાં પ્રાકૃતિક ખેતી વિશે આત્મા પ્રોજેક્ટ કચેરી તરફથી માહિતી મળતા નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતીની શિબિરમાં જોડાઈ. શિબિરમાં ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવ્યા બાદ પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં પ્રાકૃતિક ખેતી કરતાં અન્ય ખેડૂતો અમારા પર હસતાં અને કહેતાં મહિલા થઇ ખેતી કરે છે. મહિલાઓ તો ઘરમાં શોભે. પરંતુ આજે એ તમામ લોકો કરતાં વધારે સારૂ ઉત્પાદન મેળવી ખેતી કરી રહ્યાં છીએ. આજે પ્રાકૃતિક ખેતીમાં સફળતા મળતાં લોકો સન્માન આપે છે.

વધુમાં તેમણે કહ્યું કે, વર્ષ 2021-22માં કેળાના રોપા માટે ઓનલાઇન અરજી કરી હતી, જે અરજી મંજૂર થઈ અને મને 1500 કેળાંના રોપા મળ્યા. ખાતરમાં 45 બેગ સિટી કમ્પોઝ, 10 બેગ યુરિયા, 8 બેગ પોટાસ અને અન્ય ફૂગનાશક દવાઓ પણ મળી હતી. 2.50 વીઘામાં 1500 રોપાનું વાવેતર કરી હવે કેળાંનો પાક તૈયાર થયો છે.

વાવેતર પાછળ થતાં ખર્ચ વિષે તેમણે જણાવ્યું કે, નિંદામણ અને ખેડમાં કુલ 80-90 હજારનો ખર્ચ થાય છે, જેમાં સરકારની સહાય મળવાથી અંદાજે રૂ.30 હજારનો ખર્ચ જ મેં વહન કર્યો છે. 1500 રોપાના વાવેતર થકી તૈયાર થયેલા ઉત્પાદનના વળતર વિષે તેમણે કહ્યું કે, રૂ.13થી 15ના ભાવ આધારે મને કુલ વાવેતરના રૂ.3 લાખનું વળતર મળશે. અને તમામ ખર્ચા બાદ કરતા મને રૂ.2.50 લાખનો નફો મળશે.

તેમણે ઉમેર્યું કે, કેળાની સાથે આંતરપાક તરીકે હળદરનું પણ વાવેતર કર્યું છે, આ હળદરનું મૂલ્યવર્ધન કરી હળદળનો પાવડ૨ બનાવી સોશિયલ મિડિયાના માધ્યમથી વેચાણ કરી કરીએ છીએ. જેનાથી મહિને 30 હજારની આવક થઈ રહી છે.

અંતે તેમણે સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય વિશે જણાવ્યું કે, રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી અમારા જેવા છેવાડાના ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા છે. હળદર પાવડર પીસવાના પલ્વાઇઝર મશીન પર રૂ.22,140 પાવર ટીલર મશીન પર રૂ.32,250 ઝટકા મશીન પર રૂ.10,000 અને પ્રેશર પંપ મશીન પર રૂ.8000ની સહાય પ્રાપ્ત થઇ છે. સરકાર તરફથી મળેલી સહાય થકી હું આત્મનિર્ભર બની છું એમ જણાવતા તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રાકૃતિક ખેતી અપનાવી ખુશહાલ આદિવાસી મહિલા ખેડૂત સરલાબેન રાઠોડ અને તેમના માતા નયનાબેન પોતાના વિસ્તારના તેમજ રાજ્યના પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande